પનવેલના ડાન્સ બારમાં મનસેએ કરી તોડફોડ: આઠ વિરુદ્ધ ગુનો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પ્રમુખ રાજ ઠાકરેએ સભા સંબોધતી વખતે રાયગડ જિલ્લામાં પરપ્રાંતીયોના બાર વિશે કરેલી ટિપ્પણી બાદ મનસેના કાર્યકરોએ પનવેલના ડાન્સ બારમાં તોડફોડ કરી હતી. નિયમોનો ભંગ કરીને મહિલાઓ અશ્ર્લીલ ડાન્સ કરતી હોવાનો દાવો કરી બારમાં તોડફોડ કરનારા આઠ જણ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો હતો.
રાયગડ જિલ્લાના પનવેલ ખાતે આવેલા નાઈટ રાઈડર્સ બારમાં શનિવારની રાતે મનસેના 15થી 20 કાર્યકર બામ્બુ સાથે ઘૂસ્યા હતા. બારમાંના ફર્નિચર, કાચ, દારૂની બૉટલો અને લાઈટની કથિત રીતે તોડફોડ કરી હતી. આ તોડફોડનું વીડિયો રેકોર્ડિંગ મનસેના કાર્યકરો દ્વારા જ કરવામાં આવ્યું હતું. બાદમાં તોડફોડનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો હતો.
આ પણ વાંચો: પ્રધાન વિરુદ્ધ ડાન્સ બારના આક્ષેપોના ‘પુરાવા’ સાથે પરબ ફડણવીસને મળ્યા
શનિવારે રાજ ઠાકરેએ પનવેલમાં સભા સંબોધતી વખતે પરપ્રાંતીયો દ્વારા રાયગડમાં ચલાવવામાં આવતા બિયર બાર્સ વિશે ટિપ્પણી કરવામાં આવી હતી. આ બાર્સ ગેરકાયદે હોવા છતાં તેને શા માટે બંધ કરવામાં નથી આવતા, એવો પ્રશ્ર્ન પણ તેમણે કર્યો હતો. સભા બાદ રાતે મનસેના કાર્યકરો દ્વારા આ તોડફોડ કરવામાં આવી હતી.
ડાન્સ બાર પર હુમલા બાદ મનસેના એક પદાધિકારીએ કહ્યું હતું કે છત્રપતિ શિવાજી મહારાજની પવિત્ર ભૂમિમાં ડાન્સ બારને કોઈ સ્થાન નથી. અમે આવી અશ્ર્લીલતા પનવેલ કે અન્ય સ્થળે ચલાવી લઈશું નહીં.
આ પણ વાંચો: ડાન્સ બાર ફરી ધમધમતા કરવાના પ્રયાસો પર પૂર્ણવિરામ મૂકવાની ફિરાકમાં રાજ્ય સરકાર
આ પ્રકરણે પનવેલ તાલુકા પોલીસે બારમાલિકની ફરિયાદને આધારે મનસેના આઠ કાર્યકર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. બારની અંદર અને બહાર લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ પોલીસ મેળવી રહી છે. આ પ્રકરણે સાક્ષીઓનાં નિવેદન પણ નોંધવામાં આવી રહ્યાં છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.