મનસેના પ્રવક્તા પ્રકાશ મહાજને પાર્ટીમાંથી રાજીનામું આપ્યું

છત્રપતિ સંભાજીનગર: મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પ્રવક્તા પ્રકાશ મહાજને શનિવારે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું અને આ માટે એવું કારણ આપ્યું હતું કે તેમની અત્યંત ઓછી અપેક્ષાઓ છતાં પાર્ટીમાં તેમની ‘અવગણના કરવામા’ં આવી હતી.
ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને ભાજપના નેતા દિવંગત પ્રમોદ મહાજનના ભાઈ પ્રકાશ મહાજને એક વીડિયો સંદેશમાં પોતાનો નિર્ણય જાહેર કર્યો હતો, જેમાં તેમણે એમ પણ કહ્યું હતું કે તેમને પાર્ટીમાં તેમના કામ માટે ક્યારેય પ્રશંસા મળી નથી, પરંતુ તેમણે ક્યારેય ન કરેલી ભૂલો માટે તેમને દોષી ઠેરવવામાં આવ્યા હતા.
આપણ વાંચો: રાજ ઠાકરે બનશે શિવસેના સુપ્રીમો? મહારાષ્ટ્ર નવનિર્માણ સેના શિવસેનામાં વિલીન થાય તેવી શક્યતા
તેમણે રાજ ઠાકરેની આગેવાની હેઠળના મનસેમાં ‘સન્માનનો અભાવ’ હોવાનું કારણ પણ તેમના આ પગલાને માટે જવાબદાર ગણાવ્યું હતું અને સ્પષ્ટ કર્યું હતું કે તેમની અન્ય કોઈ પાર્ટીમાં જોડાવાની કોઈ યોજના નથી.
વીડિયોમાં તેમણે કહ્યું હતું કે, ‘છેલ્લા કેટલાક દિવસોથી મને લાગ્યું કે કોઈક સમયે રોકાવાની જરૂર છે. હકીકતમાં, પહલગામ ઘટના પછી મારે રોકાઈ જવું જોઈતું હતું. પરંતુ તે સમયે, મને લાગ્યું કે પરિસ્થિતિ સુધરશે.
વ્યક્તિગત રીતે કહીએ તો, મારી અપેક્ષાઓ મર્યાદિત છે. હું ગમે તે પક્ષમાં હોઉં, મને ક્યારેય ચૂંટણી લડવાની ઇચ્છા નહોતી કે મને કોઈ પદ જોઈતું નહોતું. હિન્દુત્વનું રક્ષણ કરવું એ મારી એકમાત્ર ભાવના હતી. પરંતુ મારી અપેક્ષાઓ ઓછી રાખવા છતાં, મારી ઘણી અવગણના કરવામાં આવી હતી.’
આપણ વાંચો: રાજ ઠાકરે-ફડણવીસની મુલાકાત પછી શિવસેના (યુબીટી)-મનસે ગઠબંધન ખતમ?
‘લોકસભા ચૂંટણી દરમિયાન ક્યારેય મારી સલાહ લેવામાં આવી ન હતી. વિધાનસભા ચૂંટણી દરમિયાન, મારો ઉપયોગ ફક્ત પ્રચાર માટે કરવામાં આવ્યો હતો. મેં આપવામાં આવેલી જવાબદારીઓ પ્રામાણિકપણે નિભાવી હતી. મને મારા કામ માટે ક્યારેય પ્રશંસા મળી નહીં, પરંતુ મેં ક્યારેય ન કરેલી ભૂલો માટે દોષી ઠેરવવામાં આવ્યો હતો, એમ તેમણે કહ્યું હતું.
‘હું મનસે નેતા અમિત ઠાકરેની માફી માગું છું. મેં તેમને વચન આપ્યું હતું કે હું ફક્ત તેમની સાથે જ નહીં પરંતુ તેમના પુત્ર સાથે પણ કામ કરીશ. પરંતુ કમનસીબે, પરિસ્થિતિઓ એવી છે કે હું મારી વાત પાળી શકતો નથી. ક્યારેક વ્યક્તિને તે મળતું નથી જેને તે લાયક છે અને આ નસીબની વાત છે,’ એમ પણ તેમણે કહ્યું હતું.
મહાજને કહ્યું હતું કે તેમણે વધતી ઉંમર અને પાર્ટીમાં માન-સન્માનના અભાવને કારણે રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે.
‘હું છેલ્લા કેટલાક વર્ષોથી મનસેમાં છું. જ્યારે ભાજપ નેતા નારાયણ રાણેએ મને ધમકી આપી ત્યારે પાર્ટીએ મને ટેકો આપ્યો ન હતો. મને પણ લાગ્યું હતું કે કુંભ મેળા પર રાજ ઠાકરેના વિચારો અને પહલગામ આતંકવાદી હુમલા પછીની ટિપ્પણીઓ અયોગ્ય હતી,’ એમ મહાજને કહ્યું હતું. (પીટીઆઈ)