એમએમઆરડીએનું ૪૬,૯૨૧.૨૯ કરોડ રૂપિયાનું બજેટ
આંતરારાષ્ટ્રી સ્તરનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા ૪૧,૯૫૫.૩૪ કરોડ રૂપિયા
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)નું નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટેનું ૪૬,૯૨૧.૨૯ કરોડ રૂપિયાનું ૭,૪૬૮.૨૫ કરોડ રૂપિયાની ખાધ સાથેનું બજેટ મંગળવારે રજૂ કરવામાં આવ્યું હતુંં. મુંબઈ મહાનગર પ્રદેશના નાગરિકોને વધુમાં વધુ અને આંતરાષ્ટ્રીય દરજ્જાની સેવા સુવિધા ઉભી કરવા માટે બજેટમાં લગભગ ૪૧,૯૫૫.૩૪ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
બજેટમાં મુખ્યત્વે મેટ્રો નેટવર્કના વ્યૂહાત્મક વિસ્તરણ સહિત થાણે-બોરીવલી ટ્વિન ટ્યુબ ટનલ રોડ, ઓરેન્જ ગેટથી મરીન ડ્રાઈવ સુધી અંડરગ્રાઉન્ડ ટનલ રોડ, વર્સોવા-વિરાર સી લિંક, થાણે કોસ્ટલ રોડ, રમાબાઈ આંબેડકર નગર સ્લમ રિડેવલપમેન્ટ વગેરે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ પર વધુ ભંડોળની જોગવાઈ કરવામાં આવી છે.
વર્ષ ૨૦૨૪-૨૫ના નાણાંકીય બજેટમાં ૩૯,૪૫૩.૦૪ કરોડ રૂપિયાની આવક અપેક્ષિત છે. તો ૪૬,૯૨૧.૨૯ કરોડ રૂપિયાનો ખર્ચો અપેક્ષિત છે. તો ૭,૪૬૮.૨૫ કરોડ રૂપિયાની ખાધ છે. બજેટમાં જુદા જુદા વિકાસલક્ષી પ્રોજેક્ટ એટલે કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ૪૧,૯૫૩.૩૪ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે, જેમાં શહેરોના વિકાસની સાથે મુંબઈ મેટ્રોપોલિટન રિજન શહેરોની કનેક્ટિવીટી વધારવા પર ધ્યાન આપવામાં આવવાનું છે. એમએમઆરડીએના તેના જુદા જુદા પ્રોજેક્ટ પાર પાડવા માટે મહારાષ્ટ્ર સરકારે લોનની રકમ વધારીને ૬૦,૦૦૦ કરોડ રૂપિયા કરી નાખી છે.