વિધાનસભ્યની લક્ઝરી કારે દાદર સ્ટેશનનો રસ્તો રોક્યોઃ જાગૃત નાગરિકની ફરિયાદ પછી દંડ

મુંબઈઃ એક વિધાનસભ્યની લક્ઝરી SUV કારે ગુરુવારે દાદર પૂર્વ રેલવે સ્ટેશનના પ્રવેશદ્વારને કલાકો સુધી અવરોધિત કર્યો હતો. મોટી કાર સ્ટેશનની બાજુમાં સ્વામિનારાયણ મંદિર તરફ જતા રસ્તા પર પાર્ક કરવામાં આવી હતી, જે સ્ટેશનમાં પ્રવેશતા અને બહાર નીકળતા મુસાફરોને વચ્ચે આવતી હતી, પરંતુ એક જાગૃત નાગરિકે પરિસ્થિતિ અંગે ફરિયાદ કરતા ધારાસભ્યને દંડ થયો હતો.
આ ઘટનાના સાક્ષી નાગરિક કાર્યકર્તા અજિત રાણેએ જણાવ્યું હતું કે લેન્ડ રોવર ડિફેન્ડર કાર સવારે 9 વાગ્યાથી સ્ટેશનની બહાર BEST બસ સ્ટોપ પાસે ઊભી હતી. જો કોઈ સામાન્ય માણસની કાર ત્યાં પાર્ક કરવામાં આવી હોત તો તેને દંડ કરવામાં આવ્યો હોત અથવા થોડીવારમાં ટો કરીને લઇ ગયા હોત. પરંતુ જ્યારે શક્તિશાળી લોકોની વાત આવે છે, ત્યારે બધા નિયમો નેવે મુકાઈ જાય છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી.
આ પણ વાંચો: સુરતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી સામે પોલીસ ફરિયાદ, જાણો શું છે મામલો…
જ્યારે ડ્રાઈવર આવ્યો ત્યારે રાણેએ તેની સાથે વાત કરી અને જાણ્યું કે આ કાર નાંદેડના એક ધારાસભ્યની છે. એક વરિષ્ઠ ટ્રાફિક અધિકારીને સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા ત્યાર બાદ વાહનની વિગતો મેળવવામાં આવી હતી, અને દંડ ફટકારવામાં આવ્યો હતો.
રાણેએ કહ્યું હતું કે આ જ વાત સામાન્ય નાગરિકોને નિરાશ કરે છે. રાજકારણીઓ અને તેમના સહયોગીઓ કાયદાનો ભંગ કરે ત્યારે પોલીસ અલગ માપદંડ અપનાવે છે, જે અધિકારીઓ લોકો પર કડક નિયમો લાગુ કરે છે તેઓ શક્તિશાળી લોકોની વાત આવે ત્યારે નિયમો લાગુ કરતા ખચકાટ અનુભવે છે.”
ટ્રાફિકના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (મુખ્ય મથક અને મધ્ય) ડૉ. દિપાલી ધતેએ જણાવ્યું હતું કે આવા કિસ્સાઓમાં, કાં તો વાહનને દંડ કરવામાં આવે છે અથવા વાહનને ટો કરવામાં આવે છે. અહીં, તેને ટો કરવામાં આવવું જોઈતું હતું, પરંતુ સામાન્ય રીતે વાહનો ટો કરતા પહેલા, પોલીસ કર્મચારીઓને તેની જાહેરાત કરવાની સૂચના આપવામાં આવી છે.



