દંડ નહીં તો ફ્રિજ જપ્ત! પ્લાસ્ટિક બેગ રાખવા બદલ મેડિકલ સ્ટોર પર કાર્યવાહી...
આમચી મુંબઈ

દંડ નહીં તો ફ્રિજ જપ્ત! પ્લાસ્ટિક બેગ રાખવા બદલ મેડિકલ સ્ટોર પર કાર્યવાહી…

મુંબઈ: મીરા રોડમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની સફાઈ ટીમે પ્લાસ્ટિક બેગ રાખવા બદલ દંડ ન ચૂકવી શકતા દવાની દુકાનના માલિકનું ફ્રિજ લઈ લીધું છે. સીસીટીવી કેમેરામાં કેદ થયેલી આ સમગ્ર ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

મીરા ભાયંદર મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરમાં સ્વચ્છતા રાખવા અને પ્લાસ્ટિક બેગના ઉપયોગને રોકવા માટે વોર્ડ સ્તરે એક ખાસ સફાઈ ટીમની રચના કરી છે. વહીવટીતંત્રે આ ટીમને રસીદ બુક અને ખાસ યુનિફોર્મ આપ્યો છે.

આ ટીમ વોર્ડના વિવિધ વિસ્તારોમાં જઈ રસ્તા પર થૂંકનારા અને કચરો ફેંકનારાઓ સામે કાર્યવાહી કરે છે. વહીવટીતંત્રે આ ટીમને પ્લાસ્ટિક બેગનો ઉપયોગ કરતા દુકાનદારો પાસેથી દંડ વસૂલવાનો અધિકાર પણ આપ્યો છે.

આજે સવારે ૮.૩૦ વાગ્યાની આસપાસ, વોર્ડ નંબર છની એક ટીમ કાશીમીરામાં એક દવાની દુકાનમાં ગઈ હતી. આ સમયે દુકાનદાર પાસેથી પ્લાસ્ટિકની થેલીઓ મળી આવી હતી. તેના આધારે, ટીમે દુકાનદાર પર ૫,૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. જોકે, સવારનો સમય હોવાથી તાત્કાલિક દંડ ભરી ન શકવાનું દુકાનદારે ટીમને કહ્યું હતું.

આના કારણે દુકાનદાર અને ટીમ વચ્ચે શાબ્દિક દલીલ થઈ અને દંડ ન મળવાથી ટીમના એક સભ્યએ દુકાનદારનું ચોકલેટ અને અન્ય સામગ્રી ભરેલું ફ્રિજ ઉપાડવાનું શરૂ કર્યું. અન્ય કર્મચારીઓએ પણ તેને સહકાર આપ્યો અને ફ્રિજ દુકાનમાંથી બહાર કાઢવામાં આવ્યું.

દુકાનદાર રામસિંહ ધાણીયાએ આ ઘટનાનું સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર શેર કર્યું છે અને સંબંધિત કર્મચારીઓ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

મ્યુનિસિપલ કર્મચારીઓના આ કૃત્યથી સમાજમાં રોષ ફેલાયો છે. ભાજપના નેતા રવિ વ્યાસે આ મામલે વહીવટી અધિકારીઓ પાસે જવાબ માંગ્યો છે. આ સંદર્ભમાં જાહેર આરોગ્ય વિભાગના ડેપ્યુટી કમિશનર સચિન બાંગરે પ્રતિક્રિયા આપી છે કે આ બાબતની વિગતવાર માહિતી લીધા પછી યોગ્ય નિર્ણય લેવામાં આવશે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button