આમચી મુંબઈ

મીરા રોડમાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સખત કેદ…

થાણે: મીરા રોડમાં 2021માં 13 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ કરવાના કેસમાં થાણે સેશન્સ કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. દુષ્કર્મને કારણે સગીરા ગર્ભવતી થઈ હોવાથી આ જઘન્ય અપરાધ છે અને તેની સામે કડક હાથે કામ લેવાનું આવશ્યક હોવાની નોંધ કોર્ટે કરી હતી.

એડિશનલ સેશન્સ જજ-3 ડી. એસ. દેશમુખે શુક્રવારે આપેલા ચુકાદામાં જણાવ્યું હતું કે 34 વર્ષનો આરોપી પરિણીત છે અને તેને એક પુત્ર પણ છે. તેથી આ મામલો ગંભીરતાથી જોવો જોઈએ અને દયાભાવ રાખી શકાય નહીં. કોર્ટે આરોપી શાહીદ મોહમ્મદ રમઝાન હાસમીને પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઑફેન્સીસ (પોક્સો) ઍક્ટની સંબંધિત કલમ હેઠળ કસૂરવાર ઠેરવ્યો હતો. કોર્ટે તેને 20 વર્ષની કેદ અને 50 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. દંડ રકમ વસૂલ થાય તો પીડિતાને આપવાનો આદેશ પણ કોર્ટે આપ્યો હતો.

વિશેષ સરકારી વકીલ સંજય લોંડગેએ કોર્ટમાં જણાવ્યું હતું કે આ પ્રકરણે મે, 2021માં ફરિયાદ નોંધાવાઈ હતી. મીરા રોડના કાશીમીરા પરિસરમાં આરોપી સગીરાની પડોશમાં રહેતો હતો. સગીરાને તેના ઘરે છોડવાને બહાને આરોપી પોતાના ઘરે લઈ ગયો હતો અને તેના પર જાતીય હુમલો કર્યો હતો. આ કૃત્ય બદલ કોઈને જાણ કરી તો આરોપીએ સગીરાને જાનથી મારવાની પણ ધમકી આપી હતી.

જુલાઈ, 2021માં સગીરાના પેટમાં સખત દુખાવો ઊપડ્યો હતો. ઑગસ્ટમાં તબીબી તપાસ માટે લઈ જવાયેલી સગીરા ગર્ભવતી હોવાની જાણ થઈ હતી. માતાએ વિશ્ર્વાસમાં લઈ પૂછપરછ કરતાં સગીરાએ તેની આપવીતી જણાવી હતી.
કોર્ટે અવલોકન કર્યું હતું કે તપાસકર્તા પક્ષે સિદ્ધ કર્યું છે કે આરોપીએ બે વાર અધમ કૃત્ય આચર્યું હતું, જેેને કારણે સગીરા ગર્ભવતી બની હતી અને બાદમાં તેને ધમકાવી પણ હતી. કોર્ટે આર્થિક વિવાદને લઈ ખોટા આરોપ કરાયા હોવાનો બચાવ પક્ષનો દાવો નકારી કાઢ્યો હતો. (પીટીઆઈ)

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button