મીરા રોડમાં ચોરીના કેસમાં ગ્રાફિક ડિઝાઈનરની ધરપકડ...

મીરા રોડમાં ચોરીના કેસમાં ગ્રાફિક ડિઝાઈનરની ધરપકડ…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: મીરા રોડના ફ્લૅટમાં ઘૂસી સોનાના દાગીના અને રોકડ ચોરવાના કેસમાં પોલીસે ગ્રાફિક ડિઝાઈનરની ધરપકડ કરી હતી. મીરા રોડ પોલીસે પકડી પાડેલા આરોપીની ઓળખ રાહુલ વેદપ્રકાશ ચૌહાણ (26) તરીકે થઈ હતી. ચૌહાણે પચીસ જૂનના મળસકે મીરા રોડ પૂર્વમાં એમટીએનએલ રોડ પર આવેલી સોસાયટીના એક ફ્લૅટમાં ચોરી કરી હતી.

ફરિયાદી ડાયના વિલ્સને (58) પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે મળસકે પાંચ વાગ્યાની આસપાસ બિલાડી તેના રૂમમાં ઘૂસી આવી હતી. બિલાડીના અવાજથી ડાયના ઊંઘમાંથી જાગી ત્યારે ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી. બીજા બેડરૂમની ગૅલરીનો દરવાજો ખોલી ચોર અંદર ઘૂસ્યો હતો. કબાટમાંથી 6.73 લાખના સોનાના દાગીના અને નવ હજારની રોકડ ચોરાઈ હતી.

આ પ્રકરણે મીરા રોડ પોલીસે અજાણ્યા શખસ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. સીસીટીવી ફૂટેજ અને મળેલી માહિતીને આધારે એ જ પરિસરમાં રહેતા રાહુલની ધરપકડ કરાઈ હતી. નેપાળના વતની રાહુલ પાસેથી ચોરેલી મતામાંથી 5.52 લાખના દાગીના હસ્તગત કરાયા હતા. પૂછપરછમાં રાહુલ વિરુદ્ધ અગાઉ પણ બે ગુના નોંધાયેલા હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું.

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »
Back to top button