મીરા-ભાયંદરમાં ભાજપની 12 ગુજરાતીને ટિકિટ: નારાજ વેપારીઓનો ભાજપની કચેરી પર મોરચો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મીરા-ભાયંદર મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપે 87 ઉમેદવારનું લિસ્ટ જાહેર કર્યું હતું, જેમાં 12 ગુજરાતીનો સમાવેશ થાય છે. જોકે શાંતિનગર પરિસરમાં ભાજપના નિર્ણયથી નારાજ વેપારીઓ દુકાનો બંધ રાખી ભાજપની ઑફિસ પર મોરચો લઈ ગયા હતા.
મીરા-ભાયંદર મહાપાલિકા માટે શિવસેના દ્વારા ઉમેદવારોની ફાઈનલ લિસ્ટ જાહેર કરી હતી, જેમાં ગુજરાતી નહીંવત્ હોવાનું કહેવાય છે. જોકે ભાજપ દ્વારા ગુજરાતીઓને ન્યાય આપવાનો પ્રયાસ કરાયો હોવાનું દેખાય છે.
ભાજપ દ્વારા જે ગુજરાતી ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી હતી તેમાં શાનુ ગોહિલ, રાકેશ શાહ, પરેશ શાહ, ભવ્યા પિપાલિયા, મનીષ પરાશર, હેમા બેલાણી, પૂનમ પરમાર, હેતલ પરમાર, દીપ્તિ ભટ્ટ, સીમા શાહ, અનિલ વિરાણી અને વર્ષા ભાનુશાળીનો સમાવેશ થાય છે.
મળતી માહિતી અનુસાર શાંતિનગરમાં ઇચ્છુક ઉમેદવારને ટિકિટ ન મળતાં વેપારીઓ નારાજ થયા હતા, જેને પગલે મંગળવારે બપોરે વેપારીઓએ દુકાનો બંધ રાખી હતી અને ભાજપની ઑફિસમાં મોરચો લઈ જવામાં આવ્યો હતો. ભાજપના 87 ઉમેદવારમાં 14 રાજસ્થાની ઉમેદવારનો પણ સમાવેશ થાય છે.



