12 વર્ષની બાળકીને હોર્મોન્સ વધારવાનાં ઈન્જેક્શન આપી 200 વખત દુષ્કર્મ કરાયું

મુંબઈ: કામને બહાને બાંગ્લાદેશથી લાવવામાં આવેલી 12 વર્ષની બાળકીને હોર્મોન્સ વધારવાનાં ઈન્જેક્શન આપવામાં આવ્યાં હતાં અને પછી દેહવેપારમાં ધકેલી તેની સાથે 200 વખત કથિત દુષ્કર્મ કરવામાં આવ્યું હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી હતી.
મીરા-ભાયંદર વસઈ-વિરાર પોલીસના એન્ટિ-હ્યુમન ટ્રાફિકિંગ સેલના અધિકારીઓએ વસઈ નજીકના નાયગાંવ ખાતે ચાલતા સેક્સ રૅકેટનો પર્દાફાશ કર્યો હતો. કાર્યવાહી દરમિયાન અધિકારીએ છોડાવેલી બાળકીએ જણાવેલી કથની પરથી આ ખુલાસો થયો હતો.
પોલીસના જણાવ્યા મુજબ બાળકીની ફરિયાદને આધારે પોલીસે ગુનો નોંધ્યો હતો. ફરિયાદમાં જણાવાયું હતું કે બાળકીને કામ અપાવવાને બહાને બાંગ્લાદેશથી કોલકતા અને પછી મુંબઈ લાવવામાં આવી હતી. બળજબરીથી દેહવેપાર માટે રાજી કરાવવા બાળકીને ડામ દેવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: સુરતની મહિલા સાથે બસમાં દુષ્કર્મ: ભૂવાએની વિધિના નામે વાસના સંતોષી
બાળકી પર અત્યાચાર ગુજારી તે યુવતી હોવાનું દેખાડવા હોર્મોન્ટ વધારવાનાં ઇન્જેક્શન આપવામાં આવ્યાં હતાં. બાદમાં તે 21 વર્ષની હોવાનું સાબિત કરવા બનાવટી આધાર કાર્ડ બનાવવામાં આવ્યું હતું. પીડિતાને મહારાષ્ટ્ર, ગુજરાત અને કર્ણાટકમાં વિવિધ સ્થળે મોકલાવી તેની સાથે 200થી વધુ વખત કથિત દુષ્કર્મ કરવામાં આવ્યું હતું.
પોલીસે તાજેતરમાં નાયગાંવમાં કાર્યવાહી કરી બાળકીને છોડાવી હતી અને નવ જણની ધરપકડ કરી હતી. આરોપીઓ વિરુદ્ધ પોસ્કો ઍક્ટ હેઠળ પણ ગુનો નોંધવામાં આવ્યો હતો. પકડાયેલાઓમાં બે મહિલાનો પણ સમાવેશ થાય છે. આ રૅકેટ સંદર્ભે અન્ય રાજ્યોમાં પણ તપાસ કરવામાં આવી રહી છે.