નૅશનલ પાર્કમાં માતા-પિતા સાથે ફરવા આવેલી બાળકીનું બાઈકની અડફેટે મૃત્યુ

મુંબઈ: બોરીવલીના સંજય ગાંધી નૅશનલ પાર્કમાં માતા-પિતા સાથે ફરવા આવેલી બે વર્ષની બાળકીને પૂરપાટ વેગે આવેલી બાઈકે અડફેટે લેતાં તેનું મૃત્યુ થયું હતું.
કસ્તુરબા માર્ગ પોલીસના જણાવ્યા મુજબ બુધવારની બપોરે ત્રણ વાગ્યાની આસપાસ બનેલી ઘટનામાં મૃત્યુ પામેલી બાળકીની ઓળખ માનસી યાદવ તરીકે થઈ હતી. આ પ્રકરણે બાઈકસવાર વિનોદ કવલે (37) વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરાઈ હતી.
નવી મુંબઈના ઐરોલી ખાતે રહેતો સુજિત યાદવ (30) પત્ની રાજકુમારી, પુત્રી માનસી અને પિતરાઈ શિવમ સાથે બોરીવલી આવ્યો હતો. યાદવ ટ્રક ડ્રાઈવર હોવાથી મુંબઈથી રાજકોટ વચ્ચે તે નિયમિત રીતે ટ્રક ચલાવતો હોવાનું પોલીસનું કહેવું છે.
દિવાળીમાં રજા હોવાથી નવા વર્ષ નિમિત્તે સુજિત પત્ની અને દીકરીને ફરાવવા બોરીવલીના નૅશનલ પાર્ક લઈ આવ્યો હતો. વાઘ-સિંહ સફારીના ટિકિટ કાઉન્ટર પાસેના કઠેડા નજીક સુજિત પત્ની અને પિતરાઈ સાથે ઊભો હતો ત્યારે માનસી રસ્તાને કિનારે રમતી હતી. તે સમયે પૂરપાટ વેગે આવેલી બાઈકે માનસીને અડફેટે લીધી હતી.
પોલીસ ફરિયાદ અનુસાર ગંભીર જખમી માનસી અને સુજિતને નૅશનલ પાર્કના ગેટ સુધી છોડ્યા પછી કવલે બાઈક પર પસાર થઈ ગયો હતો. માનસીને લઈ સુજિત કાંદિવલીની શતાબ્દી હૉસ્પિટલ પહોંચ્યો હતો, જ્યાં સાંજે પાંચ વાગ્યે તબીબે તેને મૃત જાહેર કરી હતી.