એસીબીના છટકામાં મધ્યસ્થી કરનારો પકડાયો: તલાટી છૂ

થાણે: એન્ટી કરપ્શન બ્યૂરો (એસીબી)એ ગોઠવેલા છટકામાં કથિત લાંચની રકમ સ્વીકારનારો મધ્યસ્થી ઝડપાઈ ગયો હતો, પરંતુ કંપની પાસેથી લાંચની રકમ માગનારો મહેસૂલ અધિકારી રફુચક્કર થઈ ગયો હતો, એમ એસીબીના અધિકારીએ શુક્રવારે જણાવ્યું હતું.
કંપનીના માલિકોએ તાજેતરમાં શાહપુર તાલુકાના શેવને ગામમાં પાંચ એકર જમીન ખરીદી હતી અને સરકારી રેકોર્ડ્સમાંની વિગતો મેળવવા માટે તલાટી (મહેસૂલ અધિકારી) જ્ઞાનેશ્ર્વર દેવીદાસ શિસોડે પાસે અરજી કરી હતી, એવું એસીબીના ડેપ્યુટી પોલીસ કમિશનર હર્ષલ ચવ્હાણે જણાવ્યું હતું.
આપણ વાંચો: હોટેલિયર પાસેથી 25 લાખની લાંચ લેનારો કોર્ટનો અધિકારી પકડાયો
જોકે અરજી પર કામ કરી આપવા માટે શિસોડેએ અશોક દત્તાત્રય વરકુટે (62)ની મધ્યસ્થીથી આઠ લાખ રૂપિયાની માગણી કરી હતી. ફરિયાદીને લાંચ આપવાની ઇચ્છા ન હોવાથી એસીબીનો સંપર્ક સાધ્યો હતો.
ફરિયાદ મળ્યા પછી એસીબીના અધિકારીઓએ ગુરુવારે છટકું ગોઠવી બે લાખની રોકડ અને ડમી નોટોનાં બંડલ ભરેલી બૅગ સ્વીકારનારા વરકુટેને પકડી પાડ્યો હતો. એસીબીએ કરેલી કાર્યવાહીની જાણ થતાં જ તલાટી ગુમ થઈ ગયો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું. આ પ્રકરણે ગુનો નોંધી તલાટીની શોધ હાથ ધરવામાં આવી હતી. (પીટીઆઈ)