આમચી મુંબઈ

રાજ્યમાં આખા વર્ષમાં મ્હાડા ૧૯,૪૯૭ ઘર બનાવશે

મ્હાડાના ૧૫,૯૫૧ કરોડ રૂપિયાના બજેટને મંજૂરી

મુંબઈ: સામાન્ય માણસોને પરવડે એવા ઘર બનાવનારી મ્હાડાએ ૨૦૨૫-૨૬ના વર્ષમાં રાજયમાં ૧૯,૪૯૭ ઘર બનાવવાનું લક્ષ્યાંક રાખ્યુું છે. તે માટે મ્હાડાએ પોતાના ૨૦૨૫-૨૬ના બજેટમાં હાઉસિંગ પ્રોજેક્ટ માટે મોટા પ્રમાણમાં જોગવાઈ કરી છે. મ્હાડાના ૨૦૨૫-૨૬ના આર્થિક વર્ષમાં ૧૫,૯૫૧.૨૩ કરોડ રૂપિયાના બજેટને મ્હાડા ઓથોરિટીની બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી, જેમાં ઘરોના નિર્માણ માટે જ લગભગ ૯,૨૦૨.૭૬ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.

મ્હાડાના મુંબઈ બોર્ડના બીડીડી ચાલ પુનર્વિકાસ પ્રોજેક્ટસ, પત્રાચાળીમાં ગૃહનિર્માણ, જોગેશ્ર્વરીમાં પીએમજીપી કોલોનીનો પુનર્વિકાસ સહિત અન્ય પ્રોજેક્ટ માટે બજેટમાં મોટા પ્રમાણમાં જોગવાઈ કરવામાં આવી છે. કોંકણ બોર્ડ મારફત ચાલુ વર્ષમાં ૯,૯૦૨ ઘર બાંધવામાં આવવાના છે, તે માટે બજેટમાં ૧,૪૦૮.૮૫ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આ દરમ્યાન ઓથોરિટીની બેઠકમાં ૨૦૨૪-૨૫ના ૧૦,૯૦૧.૦૭ કરોડ રૂપિયાના સુધારિત બજેટને પણ માન્યતા આપવામાં આવી હતી.

આ પણ વાંચો: દેશમાં પ્રદૂષણ મુદ્દે ગડકરીએ કરી મહત્ત્વની વાત, વિકાસ માટે કરી આ અપીલ…

મ્હાડાના બજેટમાં મુંબઈ, કોંકણ, છત્રપતિ સંભાજી નગર, નાગપુર, અમરાવતી, પુણે, નાશિક જેવા સબ ડિવિઝન માટે જુદા જુદા પ્રોજેક્ટ માટે પણ જોગવાઈ કરવામાં આવી છે. મુંબઈ બોર્ડ તરફથી ચાલુ આર્થિક વર્ષમાં ૫,૧૯૧ ઘરોનું નિર્માણ કરવામાં આવવાનું હોઈ તે માટે ૨૦૨૫-૨૬ના બજેટમાં ૫,૭૪૯.૪૯ કરોડ રૂપિયાની આર્થિક જોગવાઈ કરવામાં આવી છે. વરલી, નાયગાવ, પરેલ બીડીડી ચાલીના પુનર્વિકાસ યોજના માટે ૨,૮૦૦ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

આ પણ વાંચો:મુંબઈમાં માર્ચમાં ઘરોનું ‘વિક્રમી’ વેચાણ, જાણો રાજ્ય સરકારને કેટલી થઈ આવક?

જોગેશ્ર્વરી પૂર્વમાં પીએમજીપી કોલોનીના પુનર્વિકાસ પ્રોજેક્ટ માટે ૩૫૦ કરોડ રૂપિયા, બાન્દ્રા પશ્ર્ચિમમાં પરિધ ખાડી પુનર્વિકાસ પ્રોજેક્ટ માટે ૨૦૫ કરોડ રૂપિયા, ગોરેગામ સિદ્ધાર્થ નગરમાં ઘર બાંધવા માટે ૫૭૩ કરોડ રૂપિયા, પરેલમાં જિજા માતા નગરમાં ઓપન પ્લોટમાં છોકરા-છોકરીઓ માટે હોસ્ટેલ બનાવવા માટે ૨૦ કરોડ રૂપિયા, મિલ કામદારોના ઘર માટે ૫૭.૫૦ કરોડ રૂપિયા, બોરીવલીમાં એક પ્રોજેકટ માટે ૨૦૦ કરોડ રૂપિયા, સંજય ગાંધી નેશનલ પાર્ક પુનર્વસન પ્રોજેક્ટ માટે ૨૦૦ કરોડ રૂપિયા, પહાડી ગોરેગામ પ્રોજેક્ટ માટે ૧૭૭.૭૯ કરોડ રૂપિયા, માલવણી ઝૂંપડપટ્ટી સુધાર પ્રોજેક્ટ માટે ૫૦ કરોડ રૂપિયા, માગાઠાણે બોરીવલી યોજના માટે ૮૫ કરોડ રૂપિયા, એક્સર બોરીવલી કોસ્ટગાર્ડ યોજના માટે ૩૦ કરોડ રૂપિયા, ગોરેગામ સિદ્ધાર્થનગર પત્રાચાલ પુનર્વિકાસ પ્રોજેક્ટ માટે ૨૦ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button