મુંબઈમાં મેટ્રો-વનની લોકપ્રિયતામાં થયો વધારો, જાણો કઈ રીતે?
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ મુંબઈમાં શરુ કરવામાં આવેલી મેટ્રો વનના કોરિડોરમાં નોંધપાત્ર પ્રવાસીઓએ પ્રવાસ કર્યો છે, જે પ્રવાસીઓને મળતી સુવિધા અને વિશ્વાસનું પરિણામ હોવાનું મેટ્રો-વને જણાવ્યું હતું. ઘાટકોપરથી વર્સોવા વચ્ચેના મેટ્રો વન કોરિડોરમાં દોડાવાતી મેટ્રો ટ્રેન ધીમે ધીમે લોકપ્રિય બની રહી છે, જેમાં તબક્કાવાર પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.
જૂન, 2014થી શરુ કરવામાં આવેલી આ મેટ્રો કોરિડોરમાં બીજી ડિસેમ્બરે મેટ્રો વનના પ્રવાસીઓની સંખ્યા 90 કરોડને પાર કરી હતી, જ્યારે હજુ આગામી વર્ષોમાં મેટ્રો વનમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ શકે છે. મુંબઈ રિજનમાં વિવિધ પરિવહનમાં લોકલ ટ્રેન (રેલવે), બેસ્ટની બસ સહિત હવે ધીમે ધીમે મેટ્રો ટ્રેનનું વર્ચસ્વ વધી રહ્યું છે, જેમાં અગાઉ એક કોરિડોર શરુ કરવામાં આવ્યા પછી બીજા બે નવા કોરિડોરનો ઉમેરો કર્યો છે, જે મુંબઈના વિવિધ પરામાં સરળતાથી અને ઝડપી અવરજવર કરવા માટે મેટ્રો ટ્રેન વધુ સુવિધાજનક બની છે, તેથી લોકો વધુ મેટ્રોમાં પ્રવાસ કરી રહ્યા છે, એમ મેટ્રોના પ્રવક્તાએ જણાવ્યું હતું.
મેટ્રો-વનના કોરિડોરમાં ખાસ કરીને 282 દિવસમાં નોંધપાત્ર વધારો થયો છે, તેમાંય વળી 10 કરોડ પ્રવાસીની સંખ્યામાં વધારો થયો છે, જે મેટ્રોની લોકપ્રિયતા ચોક્કસ કહી શકાય. મેટ્રો વનની રાઈડરશિપમાં વધારો થયો છે, જેમાં 80 કરોડમાંથી વધીને 90 કરોડ થઈ છે. ઘાટકોપરથી વર્સોવા સેક્શનમાં સૌથી વધુ અંધેરી સ્ટેશનમાં પ્રવાસીઓની અવરજવર રહે છે. અંધેરી મેટ્રો સ્ટેશનની સાથે પશ્ચિમ રેલવેમાં અવરજવર કરવાની સંખ્યા વધુ રહે છે, તેથી રાઈડરશિપમાં 20 ટકા વધારો થયો હતો.
પ્રવાસીઓની સુવિધા માટે વોટસએપ ટિકિટ વ્યવસ્થાની સાથે નિયમિત રીતે ટ્રેનની સર્વિસમાં વધારો કરવાને કારણે પ્રવાસીની સંખ્યામાં વધારો થયો છે. આ ઉપરાંત, મેટ્રો સ્ટેશનની સાથે ડેપોમાં પણ સોલાર પેનલ બેસાડવાની યોજના પાર પાડી છે, તેનાથી વધતી ઊર્જાના વપરાશમાં નવી ઊર્જાની પ્રાપ્તિ ફાયદો થઈ શકે છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.