ભાંડુપમાંથી 50 કરોડનું મેફેડ્રોન જપ્ત: મહાડની લૅબોરેટેરીમાં બનતું હતું ડ્રગ્સ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: નાર્કોટિક્સ ક્ધટ્રોલ બ્યૂરો (એસીબી)એ ભાંડુપમાંથી બે આરોપીની ધરપકડ કરી અંદાજે 50 કરોડ રૂપિયાનું મેફેડ્રોન (એમડી) જપ્ત કર્યું હતું. આરોપીની પૂછપરછને આધારે એનસીબીએ ડ્રગ્સનું ઉત્પાદન જ્યાં કરાતું હતું તે મહાડની લૅબોરેટરીનો પર્દાફાશ કર્યો હતો.
એનસીબીના અધિકારીઓએ પકડી પાડેલા બન્ને આરોપીની ઓળખ આર. શેડગે અને કે. એન. પાલકર તરીકે થઈ હતી. શેડગેની અગાઉ ડિરેક્ટરેટ ઑફ રેવેન્યૂ ઈન્ટેલિજન્સે (ડીઆરઆઈ) પણ ડ્રગ્સના કેસમાં ધરપકડ કરી હતી. એ કેસમાં જામીન પર છૂટ્યા પછી તે ફરી ડ્રગ્સ સપ્લાયમાં જોડાયો હતો.
આપણ વાંચો: એન્ટિ નાર્કોટિક્સ સેલની કાર્યવાહી: 24 કલાકમાં રૂ. 4.24 કરોડના ડ્રગ્સ સાથે ચાર પેડલરની ધરપકડ
અધિકારીના જણાવ્યા મુજબ ભાંડુપના એક ઘરમાં ડ્રગ્સ સંતાડી રાખવામાં આવ્યું હોવાની માહિતી મળી હતી. માહિતીને આધારે શનિવારે અધિકારીઓની ટીમે ભાંડુપમાં કાર્યવાહી કરી બે જણને પકડી પાડ્યા હતા. ઘરમાંથી 46.8 કિલો એમડી મળી આવ્યું હતું, જેની કિંમત અંદાજે 50 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ ડ્રગ્સ પ્લાસ્ટિકના ક્ધટેઈનરમાં ભરી રાખવામાં આવ્યું હતું.
પૂછપરછમાં અધિકારીને જાણવા મળ્યું હતું કે જપ્ત કરાયેલું એમડી રાયગડ જિલ્લાના મહાડ ખાતેથી લાવવામાં આવ્યું હતું. પકડાયેલા બેમાંથી એક આરોપી મહાડની લૅબોરેટરીમાં ડ્રગ્સનું ઉત્પાદન કરતો હોવાનું જણાયું હતું.
માહિતીને આધારે અધિકારીઓએ મહાડની લૅબોરેટરી પર દરોડો પાડ્યો હતો. લૅબમાંથી મોટા પ્રમાણમાં રસાયણ મળી આવ્યું હતું, જેનો ઉપયોગ ડ્રગ્સ બનાવવા કરાતો હતો. એનસીબીએ એ લૅબ સીલ કરી દીધી હતી. આ મામલે એનસીબી વધુ તપાસ કરી રહી છે.