દાદરના ગેસ્ટ હાઉસમાંથી 10.08 કરોડનું મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત: બેની ધરપકડ

મુંબઈ: મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે દાદર રેલવે સ્ટેશન નજીકના ગેસ્ટ હાઉસમાંથી 10.08 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડી પાડીને બે યુવકની ધરપકડ કરી હતી.
ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-9ના અધિકારીઓએ ધરપકડ કરેલા આરોપીઓની ઓળખ સેનુલ જુલુમ શેખ (28) અને જહાંગીર શહા આલમ શેખ (29) તરીકે થઇ હતી. બંને યુવક ગોવંડીના રહેવાસી છે. સેનુલ શેખ પશ્ર્ચિમ બંગાળના માલદાનો વતની છે, એમ પોલીસે જણાવ્યું હતું.
આધારભૂત સૂત્રો પાસેથી મળેલી માહિતીને આધારે પોલીસ ટીમે દાદર પૂર્વમાં સ્વામિનારાયણ મંદિર નજીક આવેલા ગેસ્ટ હાઉસમાં રૂમ બૂક કરાવી હતી. ત્યાર બાદ ડ્રગ ડીલરોનો સંપર્ક સાધીને તેમને ડ્રગ્સ લઇ અહીંં બોલાવવામાં આવ્યા હતા.
આપણ વાંચો: આસામમાં 14 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયુંઃ એક પકડાયો
દરમિયાન બે ડ્રગ ડીલર બુધવારે રાતે મેફેડ્રોન ડ્રગ્સ લઇને ત્યાં આવ્યા હતા. જોકે એક આરોપીને ત્યાં પોલીસની હાજરી હોવાનું જણાતાં તેણે ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પણ પોલીસે તેને પકડી પાડ્યો હતો.
બંને આરોપીની તલાશી લેવામાં આવતાં તેમની પાસેથી 10.08 કરોડ રૂપિયાનું 5.4 કિલોગ્રામ ડ્રગ્સ મળી આવ્યું હતું. બંને આરોપી વિરુદ્ધ માટુંગા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.