છેતરપિંડી કેસઃ મેહુલ ચોકસી સામે બિનજામીનપાત્ર વૉરન્ટ જારી

મુંબઈ: કેનેરા બૅંકની આગેવાની હેઠળ પંચાવન કરોડ રૂપિયાનો સમાવેશ કરતા કનસોર્ટિયમ લોન છેતરપિંડી કેસમાં હીરાના વેપારી મેહુલ ચોકસી સામે કોર્ટે બિનજામીન પાત્ર વૉરન્ટ જારી કર્યા છે. કરોડો રૂપિયાના પંજાબ નેશનલ બૅંક કૌભાંડના મુખ્ય આરોપી મેહુલ ચોકસીના પ્રત્યર્પણની માગણી ભારતીય એજન્સી દ્વારા કરવામાં આવ્યા બાદ ૨૧મી એપ્રિલે બેલ્જિયમમાં તેની ધરપકડ કરાઇ હતી.
એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (એસ્પ્લેન્ડ કોર્ટ) આર. બી. ઠાકુર દ્વારા ચોકસી સામે બિનજામીન પાત્ર વૉરન્ટ જારી કરાયા હતા. વૉરન્ટ પર રિપોર્ટ રજૂ કરવા માટે આ કેસ બીજી જૂન સુધી મુલતવી રાખવામાં આવ્યો છે.
આપણ વાંચો: પીએનબી કૌભાંડના આરોપી મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણ માટે સીબીઆઇ -ઇડીની ટીમ બેલ્જિયમ જશે
સીબીઆઇએ આક્ષેપ કર્યો હતો કે કેનેરા બૅંક અને બૅંક ઓફ મહારાષ્ટ્રએ બેઝેલ જ્વેલરીને ક્નસોર્ટિયમ એગ્રીમેન્ટ હેઠળ અનુક્રમે ૩૦ કરોડ રૂપિયા અને પચીસ કરોડ રૂપિયાની લોન મંજૂરી કરી હતી.
આ લોન હીરા અને સોનાના ઘરેના ઉત્પાદન અને વેચાણ માટે આપવામાં આવી હતી, પરંતુ જે હેતુ માટે લોન લેવામાં આવી હતી તેનો ઉપયોગ તેની માટે કરાયો જ નહોતો, એમ સીબીઆઇએ વધુમાં જણાવ્યું હતું. કંપની દ્વારા લોનના નાણાં ચૂકવવામાં આવ્યા જ નહોતા તેથી બૅંકને ૫૫.૨૭ કરોડનું નુકસાન થયું હતું, એમ એજન્સીએ આક્ષેપ કર્યો હતો.