ટાટા ટ્રસ્ટમાં તિરાડ! મેહલી મિસ્ત્રીને ટ્રસ્ટની બહાર કરાયા, આ ટ્રસ્ટીઓએ વિરોધમાં મતદાન કર્યું…

મુંબઈ: તાજેતરમાં ટાટા ટ્રસ્ટના બોર્ડમાં મતભેદો જાહેર થયા હતાં, એવામાં અહેવાલ છે કે આ મુદ્દો વધુ ગંભીર બન્યો છે. ટાટા ટ્રસ્ટના ચેરમેન નોએલ ટાટા, ટ્રસ્ટીઓ વેણુ શ્રીનિવાસન અને વિજય સિંહે મેહલી મિસ્ત્રીની ટ્રસ્ટી તરીકે રી-અપોઈન્ટમેન્ટ નકારી કાઢી છે. હવે મેહલી મિસ્ત્રી ટાટા ટ્રસ્ટમાંથી બહાર નીકળી ગયા છે.
નોંધનીય છે કે મેહલી મિસ્ત્રીને દિવંગત રતન ટાટાના નજીકના વિશ્વાસુ માનવા આવે છે. બોર્ડના છ ટ્રસ્ટીઓમાંથી ત્રણે તેમની રીઅપોઈન્ટમેન્ટના વિરોધમાં મતદાન કર્યું હતું. અહેવાલ મુજબ મિસ્ત્રી ટાટા ટ્રસ્ટના ગવર્નિંગ બોર્ડમાંથી રાજીનામું આપશે.
આ ટ્રસ્ટીઓએ વિરોધમાં મતદાન કર્યું:
મિસ્ત્રીની રીઅપોઈન્ટમેન્ટના વિરોધમાં મતદાન કરનાર ટ્રસ્ટીઓમાં ટાટા ટ્રસ્ટના ચેરમેન નોએલ ટાટા, ટીવીએસ ગ્રુપના ચેરમેન વેણુ શ્રીનિવાસન અને ભૂતપૂર્વ સંરક્ષણ સચિવ વિજય સિંહનો સમાવેશ થાય છે. સર દોરાબજી ટાટા ટ્રસ્ટના ડેરિયસ ખંભાતા અને પ્રમિત ઝવેરીએ મિસ્ત્રીના સમર્થનમાં મતદાન કર્યું હતું, જ્યારે સર રતન ટાટા ટ્રસ્ટના જહાંગીર એચસી જહાંગીરે તેમના પક્ષમાં મતદાન કર્યું.
ટ્રસ્ટ બે જૂથોમાં વહેંચાયું:
અગાઉના અહેવાલ મુજબ ટ્રસ્ટ બે જૂથમાં વિભાજીત થઇ ગયું હતું, શ્રીનિવાસન અને સિંહ સમર્થિત નોએલ ટાટા જૂથ, અને ઝવેરી, ખંભાતા અને જહાંગીર દ્વારા સમર્થિત મેહલી મિસ્ત્રી ગ્રુપ. સપ્ટેમ્બરમાં મિસ્ત્રી અને તેમના સાથીઓએ ટાટા સન્સ બોર્ડમાંથી ટાટા ટ્રસ્ટના પ્રતિનિધિ તરીકે સિંહને દૂર કરવા માટે મતદાન કર્યું, ત્યારથી બંને જૂથો વચ્ચે તણાવ શરુ થયો હતો.
જોકે, ગત અઠવાડિયે શ્રીનિવાસનને સર્વસંમતિથી આજીવન ટ્રસ્ટી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
ટાટા ટ્રસ્ટનું મૌન:
મિસ્ત્રીને વર્ષ 2022 માં પહેલી વાર ટ્રસ્ટી તરીકે સામેલ કરવામાં આવ્યા હતા, તેમનો વર્તમાન ત્રણ વર્ષનો કાર્યકાળ આજે 28 ઓક્ટોબરના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. હવે તેમની ફરી નિમણુક થશે નહીં, આથી તેમને રાજીનામું આપવું પડશે.
મિસ્ત્રીને બહાર કરવાના મુદ્દે ટાટા ટ્રસ્ટ દ્વારા કોઈ સત્તાવાર નિવેદન આપવા આવ્યું નથી. મિસ્ત્રી તરફથી પણ આ મુદ્દે કોઈ કમેન્ટ કરવામાં આવી નથી.



