મીરા રોડમાં ગળું ચીરી બાર સિંગરની કરપીણ હત્યા: લિવ-ઈન પાર્ટનર ફરાર

મુંબઈ: લગ્ન કરવાને મુદ્દે થયેલા વિવાદ બાદ મીરા રોડમાં ગળું ચીરી બાર સિંગરની કરપીણ હત્યા કરવામાં આવી હતી. હત્યા બાદ લિવ-ઈન પાર્ટનર ગુમ હોવાથી પોલીસે શંકાને આધારે તેની શોધ હાથ ધરી હતી.
મીરા રોડ પોલીસના જણાવ્યા મુજબ મૃતકની ઓળખ કરીના કુર્શિદ અલી (21) તરીકે થઈ હતી. ઉત્તર પ્રદેશથી આવેલી કરીના મીરા રોડની મ્હાડા કોલોનીમાં બે પિતરાઈ ભાઈ સાથે રહેતી હતી. એ જ પરિસરમાં રહેતા આરોપી સમસુદ્દીન હાફીઝ (24) સાથે કરીનાની મિત્રતા થઈ હતી.
આપણ વાંચો: સૈરાટઃ પ્રેમસંબંધનો વિરોધ કરતા પરિવારે દીકરીના પ્રેમીની કરી કરપીણ હત્યા
છેલ્લા એક વર્ષથી હાફીઝ અને કરીના વચ્ચે પ્રેમપ્રકરણ ચાલી રહ્યું હતું, જેને પગલે પાંચેક મહિનાથી બન્ને સાથે રહેતા હતા. બન્નેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. જોકે હાફીઝ તાત્કાલિક લગ્ન કરવા માગતો હતો, પણ કરીના આર્થિક રીતે ઠરીઠામ થયા પછી લગ્ન કરવાની વાત કરતી હતી. આ મુદ્દે તેમની વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા.
પોલીસ ફરિયાદ અનુસાર હાફીઝને શંકા હતી કે કરીનાનું અન્ય યુવક સાથે અફૅર છે, જેને પગલે તેણે શહેર છોડીને જવાની વાત કરી હતી. શુક્રવારે ફરી આ મુદ્દે તેમની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. સાંજે સાત વાગ્યાની આસપાસ હાફીઝ ઘરની બહાર ગયા પછી રાતે 10 વાગ્યે પાછો ફર્યો હતો. તે સમયે બન્ને પિતરાઈ ભાઈ કરીનાને મળવા આવ્યા હતા.
આપણ વાંચો: Ahmedabad માં પ્રેમીએ પ્રેમિકાના પતિની કરપીણ હત્યા કરી, પોલીસે આરોપીની ધરપકડ કરી
અધિકારીના જણાવ્યા મુજબ રાતે જમ્યા પછી બન્ને પિતરાઈ વૉક માટે ગયા ત્યારે કરીના અને હાફીઝ ઘરમાં એકલાં હતાં. મધરાતે 12.20 વાગ્યે પિતરાઈ પાછા આવ્યા ત્યારે ઘરનો દરવાજો લૉક હતો અને ચાવી કી-હૉલમાં લટકેલી હતી. દરવાજો ખોલવામાં આવતાં બેડ પરથી લોહીલુહાણ હાલતમાં કરીના મળી આવી હતી અને હાફીઝ ગુમ હતો.
પોલીસે બેભાન કરીનાને નજીકની હૉસ્પિટલમાં ખસેડી હતી, જ્યાં તબીબે તેને મૃત જાહેર કરી હતી. હાફીઝનો મોબાઈલ ફોન સ્વિચ ઑફ્ફ આવતો હોવાથી તેણે જ હત્યા કરી હોવાની શંકા વ્યક્ત કરાઈ હતી. પોલીસ હાફીઝની શોધ ચલાવી રહી છે.