પંકજા મુંડેને નુકસાન થવા માટે મીડિયા જવાબદાર: ચંદ્રકાંત પાટીલ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ભાજપના નેતા પંકજા મુંડેને પાર્ટીમાં કદ પ્રમાણે વેતરી નાખવામાં આવી રહ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે. આ બધાની વચ્ચે પંકજા મુંડેએ ચશ્મા આવી ગયા હોવાનો એક વીડિયો સોશ્યલ મીડિયા શેર કર્યો હતો. આ વીડિયો પછી ફરી રાજકીય ચર્ચા વેગ પકડી રહી છે.
પંકજા મુંડેનું કમનસીબ એવું છે કે તેઓ છીંક ખાય કે પછી હસે તો પણ તેની નોંધ મીડિયામાં લેવામાં આવે છે. પંકજા મુંડેના દરેક વાક્યનો ખોટો અર્થ કાઢવામાં આવે છે. આને કારણે જ તેમનું ભારે નુકસાન થઈ રહ્યું છે, એમ મહારાષ્ટ્ર ભાજપના ભૂતપૂર્વ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે શુક્રવારે કહ્યું હતું.
પંકજા મુંડેએ આંખ પર ચશ્મા આવી ગયા હોવાની જાણકારી સોશ્યલ મીડિયા પર આપી હતી. તેમાં તેમણે ‘આમચ્યા પપ્પાંની ગણપતિ આણલા’ લોકપ્રિય ગીતની પંક્તિ ‘તાઈલા ચશ્મા લાગલા, તાઈલા ચશ્મા લાગલા’ મૂકી હતી. તેમનો વીડિયો સોશ્યલ મીડિયા પર ભારે વાઈરલ થયો છે.
પંકજા વીડિયોમાં કહે છે કે એક મિનિટ સરપ્રાઈઝ.. તાઈલા ચશ્મા લાગલા.. લાંબચા ચશ્મા નાહી બરં કા.. જવળચા ચશ્મા આહે. તેમણે એમ પણ કહ્યું હતું કે મને નજીકનું સ્પષ્ટ દેખાતું નહોતું. હવે એવું લાગે છે કે નજીકનું સ્પષ્ટ દેખાશે. દૂરનું તો પહેલેથી જ મને સ્પષ્ટ દેખાતું હતું અને હવે પણ દેખાતું જ રહેશે. ચશ્મા કેવા લાગી રહ્યા છે?
પંકજા મુંડેના આ વીડિયો પર પ્રહારના બચ્ચુ કડુએ કહ્યું હતું કે પંકજા મુંડે સાચું જ કહી રહ્યા છે. તેમની સાથે દગો તેમના નજીકના માણસોએ જ કર્યો છે. આથી જ તેમને ચશ્મા બદલવાની આવશ્યકતા હતી. તેમણે યોગ્ય સમયે તેમના ચશ્મા બદલી નાખ્યા છે. હવે તેમણે નવા ચશ્મામાંથી રાજકીય લક્ષ્ય સાધ્ય કરવું.