પ્રવાસીઓ માટે ખુશખબર: માથેરાન ટોય ટ્રેન ફરી શરૂ થશે

મુંબઈઃ મુંબઈ નજીક રાયગઢ જિલ્લાના સૌથી લોકપ્રિય માથેરાન હિલ સ્ટેશન અને નેરલ શહેર વચ્ચે ચાલતી હેરિટેજ નેરોગેજ ટ્રેન આવતીકાલથી ફરી શરૂ કરવામાં આવશે. ચોમાસા દરમ્યાન સાવચેતીના પગલા રૂપે, નેરલ અને માથેરાન વચ્ચેની ટ્રેન સેવાઓ જૂનથી ઓક્ટોબર સુધી સ્થગિત કરવામાં આવી હતી, જોકે હિલ સ્ટેશનના પ્રવેશદ્વાર નજીક અમન લોજ અને દસ્તુરી પોઇન્ટ વચ્ચેની શટલ સેવાઓ ચાલુ રહી હતી, એમ તેમણે જણાવ્યું હતું.
મુંબઈ નજીક આવેલું આ નાનકડું રમણીય હિલ સ્ટેશન પ્રવાસીઓમાં ખુબ લોકપ્રિય છે. ચોમાસા દરમિયાન અહીં ભારે વરસાદ પડતો હોવાથી ભૂતકાળમાં ચોમાસા દરમિયાન ભૂસ્ખલન, ટ્રેકને નુકસાન અને ધોવાણ થયું હોવાથી સાવચેતીના પગલારૂપે આ નેરો-ગેજ ટ્રેન સેવાઓ સ્થગિત કરવામાં આવે છે.
આપણ વાચો: આનંદો! આવતીકાલથી નેરલ-માથેરાન ટોય ટ્રેન સેવા ફરી શરુ થશે…
આ વર્ષે જૂનના પહેલા અઠવાડિયાથી મનોહર ઘાટ વિભાગમાંથી પસાર થતી આ 21 કિમી લાંબી નેરોગેજ લાઇન પર સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી. નેરલ-માથેરાન નેરોગેજ લાઈન પર સેવાઓ 6 નવેમ્બરના આવતીકાલથી ફરી શરૂ થશે.
મધ્ય રેલવેએ જણાવ્યું હતું કે, નેરલ અને માથેરાન વચ્ચે દરરોજ બે-બે સેવાઓ ચલાવવામાં આવશે. નેરલથી માથેરાન માટે પહેલી ટ્રેન સવારે 8.50 વાગ્યે ઉપડશે અને 11.30 વાગ્યે તેના ગંતવ્ય સ્થાને પહોંચશે. બીજી ટ્રેન સવારે 10.25 વાગ્યે ઉપડશે અને બપોરે 1.05 વાગ્યે માથેરાન પહોંચશે. માથેરાનથી બપોરે 2.45 વાગ્યે અને સાંજે 4 વાગ્યે ઉપડશે અને અનુક્રમે સાંજે 5.30 વાગ્યે અને સાંજે 6.40 વાગ્યે નેરલ પહોંચશે, એમ જણાવાયું છે.
બધી સેવાઓ કુલ છ કોચ સાથે ચલાવવામાં આવશે, જેમાં ત્રણ સેકન્ડ-ક્લાસ અને બે સેકન્ડ-ક્લાસ કમ લગેજ વાનનો સમાવેશ થાય છે. મધ્ય રેલ્વેએ જણાવ્યું હતું કે બંને બાજુથી પહેલી સેવાઓમાં એક વિસ્ટાડોમ કોચ અને બીજી સેવાઓમાં એક ફર્સ્ટ-ક્લાસ કોચ હશે. સોમવારથી શુક્રવાર સુધી માથેરાન અને અમન લોજ વચ્ચે બંને દિશામાં છ શટલ સેવાઓ અને શનિવાર અને રવિવારે આઠ સેવાઓ કાર્યરત રહેશે.
આપણ વાચો: આ ગંગારામે બનાવેલી અશ્ર્વ-ટ્રેન ૧૩૩ વર્ષથી પાકિસ્તાનમાં દોડે છે
અમનલોજ સ્ટેશન દસ્તુરી પોઈન્ટ નજીક આવેલું છે, જેનાથી આગળ એમ્બ્યુલન્સ સિવાય બીજા વાહનોને મંજૂરી નથી. તેથી, શટલ સેવાઓ શરુ થતા પ્રવાસીઓ અને સ્થાનિકોને દસ્તુરી પોઈન્ટથી હિલ સ્ટેશનના અન્ય ભાગોમાં જવા માટે રિક્ષા અથવા ઘોડા માલિકોને ઊંચી રકમ ચુક્વવામાંથી રાહત મળશે.
ભારતના વારસાગત પર્વતીય રેલમાર્ગમાના એક, નેરલ-માથેરાન રેલવેને 118 વર્ષ પૂર્ણ થયા છે. 1907માં સ્ટીમ એન્જિન દ્વારા સંચાલિત પ્રથમ ટોય ટ્રેન સેવા શરૂ થઈ હતી. 21 કિમી લાંબી નેરલ-માથેરાન રેલવે લાઇનનું બાંધકામ 1904માં શરૂ થયું હતું, અને 1907માં મુસાફરો માટે ખુલ્લી મૂકવામાં આવી હતી.



