મરાઠી અભિનેતા સાગર કરાંડેએ ‘ટાસ્ક’ ફ્રોડમાં 61 લાખ રૂપિયા ગુમાવ્યા

મુંબઈ: ઈન્સ્ટાગ્રામ વીડિયોને લાઈક કરવા પર સારું વળતર આપવાની લાલચે સાયબર ઠગોએ મરાઠી ફિલ્મ અને ટીવી અભિનેતા સાગર કરાંડે પાસેથી 61 લાખ રૂપિયા પડાવ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું.
અધિકારીના જણાવ્યા મુજબ આ પ્રકરણે અભિનેતાએ સોમવારે નૉર્થ રિજન સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ અનુસાર કરાંડેના મોબાઈલ નંબર પર 23 ફેબ્રુઆરીએ વ્હૉટ્સઍપ મેસેજ આવ્યો હતો.
મેસેજ કરનાર પોતાની ઓળખ એપ્સિલોન કંપની લિમિટેડની મની સકપાળ તરીકે આપી હતી. ઈન્સ્ટાગ્રામ પરના વીડિયોને લાઈક કરવાનું અને દરેક લાઈક પર 150 રૂપિયા મળશે, એવું કરાંડેને કહેવામાં આવ્યું હતું.
આપણ વાંચો: સાયબર ઠગોએ હાઇ સિક્યુરિટી રજિસ્ટ્રેશન પ્લેટ્સ માટે ફૅક લિંક બનાવી: ગુનો દાખલ
મહિલાએ મોકલાવેલી લિંક પર કરાંડેએ ક્લિક કરીને ટાસ્કના ભાગ રૂપ એક વીડિયોને ‘લાઈક’ કર્યું હતું. બાદમાં અભિનેતાને ટેલિગ્રામ મારફત પ્રોમો કોડ મેસેજની લિંક મોકલવામાં આવી હતી અને તેના પર નામ, ઉંમર, લિંગ, વ્હૉટ્સઍપ નંબર જેવી માહિતી પૂરી પાડવાનું કહેવામાં આવ્યું હતું. કરાંડેએ બદી વિગતો મોકલાવવાની સાથે પેમેન્ટ માટે પત્નીના યુપીઆઈ આઈડી પણ પાઠવ્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.
અભિનેતાને પછી બીજા ટેલિગ્રામ એકાઉન્ટ્સના ગ્રૂપમાં એડ કરવામાં આવ્યો હતો, જ્યાં ગ્રૂપના સભ્યોને અલગ ટાસ્ક આપવામાં આવતી હતી. અભિનેતાને ટેલિગ્રામ ગ્રૂપ પરની 10 ટાસ્કમાં 11 હજાર રૂપિયા મળ્યા હતા.
આપણ વાંચો: Vadodara ના સિનિયર સિટિઝનને Digital Arrest કરીને સાયબર ઠગોએ 1.60 કરોડ પડાવ્યા
અનેક ટાસ્ક પૂરી કર્યા પછી સાયબર ઠગે અભિનેતાને ઊંચાં વળતરની ખાતરી આપી નાણાં રોકવા લલચાવ્યો હતો. ટાસ્કમાંથી થયેલી આવક દેખાડવા માટે ઠગે અભિનેતાનું ઑનલાઈન વૉલેટ પણ બનાવ્યું હતું. આ વૉલેટમાં જમા થયેલી રકમ કઢાવવાનો પ્રયાસ કરતાં અભિનેતાને 19 લાખ રૂપિયા ડિપોઝિટ કરવાનું કહેવાયું હતું.
ઠગ ટોળકીની લાલચમાં ફસાઈને અભિનેતાએ સમયાંતરે વિવિધ બૅન્ક ખાતાં અને ઉપીઆઈ આઈડીમાં 61.83 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. બાદમાં પોતે છેતરાયા હોવાની જાણ થતાં અભિનેતાએ સાયબર પોલીસનો સંપર્ક સાધ્યો હતો. આ પ્રકરણે પોલીસે ત્રણ જણ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. (પીટીઆઈ)