આમચી મુંબઈમહારાષ્ટ્ર

મરાઠા સમાજ આગામી આંદોલનનો નિર્ણય 23 ડિસેમ્બરે લેશે: જરાંગે

જાલના: મરાઠા આરક્ષણ માટેના આંદોલનકારી મનોજ જરાંગે-પાટીલે રવિવારે કહ્યું હતું કે રાજ્ય સરકાર જો મરાઠા સમાજના આરક્ષણની માગણીને સંતોષવામાં નિષ્ફળ જશે તો સમાજ તેમના આગામી આંદોલનની રણનીતિ 23 ડિસેમ્બરની બીડમાં આયોજિત બેઠકમાં ઘડી કાઢશે.

જાલના જિલ્લાના અંતરવાલી સરાટી ગામે પત્રકારોને ઉપરોક્ત માહિતી આપતાં જરાંગેએ કહ્યું હતું કે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે આ બાબતે વિધાનસભાના અત્યારે ચાલી રહેલા શિયાળુ સત્રમાં 18 ડિસેમ્બરે નિવેદન કરશે એવી અપેક્ષા છે.

આંદોલનકારીઓએ એવો પણ દાવો કર્યો હતો કે રાજ્યના પ્રધાન ઉદય સામંતે તેમને ફોન કર્યો હતો અને એવી ખાતરી આપી હતી કે મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાનો આરક્ષણ આપવા માટે પ્રતિબદ્ધ છે.

સરકારે કાયદો બનાવવા માટે એક મહિનાનો સમય માગ્યો હતો, પરંતુ જો તેઓ વચનપૂર્તિમાં નિષ્ફળ જાય તો આંદોલનની આગામી રણનીતિ બાબતે બીડમાં 23 ડિસેમ્બરે નિર્ણય લેવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.

તેમણે એવી જાહેરાત કરી હતી કે જો આરક્ષણની માગણી પૂરી કરવામાં સરકાર નિષ્ફળ જશે તો આંદોલન ચાલુ રહેશે. તેમણે મરાઠા સમાજને કુણબી પ્રમાણપત્ર આપીને ઓબીસી હેઠળ આરક્ષણ આપવા માટેનો કાયદો મંજૂર કરવાની અપીલ કરી હતી.

રાજ્ય સરકારને કુણબીના 54 (ચોપન) લાખ રેકર્ડ મળ્યા છે. તેમણે મરાઠા સમાજના ઓબીસી શ્રેણીમાં સમાવેશ માટેનો કાયદો મંજૂર કરી નાખવો જોઈએ, એમ તેમણે કહ્યું હતું.

અહીં ઉલ્લેખનીય છે કે જરાંગેએ બીજી નવેમ્બરે પોતાના અનશન છોડ્યા હતા અને સત્તાધારી પક્ષોને 24મી ડિસેમ્બર સુધીની મુદત આપી હતી.

જરાંગેએ એ બાબત પ્રત્યે ધ્યાન દોર્યું હતું કે રાજ્ય સરકારે આંદોલનમાં સહભાગી થયેલા લોકો સામેના કેસીસ પાછા ખેંચ્યા નથી. તેમણે રાજ્ય સરકારની ભરતી પ્રક્રિયાને પણ મરાઠા આરક્ષણનો ફેંસલો ન થાય ત્યાં સુધી રોકી દેવાની માગણી કરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button