આંદોલનકારીઓની બેસ્ટની બસમાં તોડફોડ: પ્રવાસીઓ સાથે મારપીટ | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

આંદોલનકારીઓની બેસ્ટની બસમાં તોડફોડ: પ્રવાસીઓ સાથે મારપીટ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મરાઠા આરક્ષણ આંદોલનના કાર્યકરોએ જૂહુમાં બેસ્ટની બસમાં ઘૂસી તોડફોડ કરવાની સાથે પ્રવાસીઓ સાથે મારપીટ કરી હોવાની ઘટના સામે આવી હતી.

દક્ષિણ મુંબઈને ત્રણ દિવસથી બાનમાં લેનારા કાર્યકરો હવે હિંસા પર ઊતરી આવ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે. બેસ્ટના અધિકારીના કહેવા મુજબ ઘટના રવિવારની સાંજે 7.15 વાગ્યાની આસપાસ બની હતી. ઘટના બાદ મારપીટ કરનારા આંદોલનકારીઓ અને પ્રવાસીઓ રફુચક્કર થઈ ગયા હતા.

આપણ વાંચો: મુંબઈમાં ટ્રાફિક જામ: મરાઠા આરક્ષણ આંદોલનથી જનજીવન ઠપ્પ, આ રૂટમાં કરાયા ફેરફાર…

અધિકારીના કહેવા મુજબ બેસ્ટની રૂટ નંબર 231 પરની બસ જૂહુ બસ સ્ટોપ પર ઊભી હતી. તે સમયે બસમાં ડ્રાઈવર કે ક્ધડક્ટર નહોતા, પરંતુ અમુક પ્રવાસીઓ હતા. બસમાં ચઢેલા આંદોલનકારીઓનો બે પ્રવાસી સાથે વિવાદ થયો હતો.

ઉગ્ર બોલાચાલી બાદ એક કાર્યકરે પ્રવાસીને લાફો ઝીંકી દીધો હતો, જેને કારણે વાત વધી ગઈ હતી. બાદમાં અમુક કાર્યકરોએ પ્રવાસીઓની બેરહેમીથી મારપીટ કરી હતી અને બસના કાચની તોડફોડ કરી હતી.

બસમાં ધમાલ કરનારાઓને સમજાવવાનો પ્રયાસ બેસ્ટના કર્મચારીઓએ કર્યો હતો, પરંતુ તેમની સાથે પણ ઉદ્ધત વર્તન કરવામાં આવ્યું હતું. આખરે પોલીસ ક્ધટ્રોલ રૂમને કૉલ કરી મદદ માગવામાં આવી હતી. જોકે પોલીસ પહોંચે તે પહેલાં આંદોલનકારીઓ અને પ્રવાસીઓ ત્યાંથી રવાના થઈ ગયા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું.

આપણ વાંચો: મરાઠા આરક્ષણ આંદોલનમાં ચોરોનો ઉપદ્રવ, કાર્યકરોની સોનાની ચેનો અને મોબાઇલ ગાયબ

બેસ્ટના 26 રૂટમાં ફેરફાર: ટ્રેનો મોડી દોડી

મરાઠા આંદોલનને કારણે નોકરિયાત વર્ગે ભોગવવાનો વારો આવ્યો છે. આંદોલનને કારણે સપ્તાહના પ્રથમ દિવસ સોમવારે બેસ્ટના 26 જેટલા રૂટ પરની બસોને અન્ય માર્ગે વાળવામાં આવી હતી. બસના બદલાયેલા સમયપત્રકને કારણે પ્રવાસીઓને મુશ્કેલી પડી હતી.

આંદોલનમાં જોડાયેલા કાર્યકરોએ દક્ષિણ મુંબઈના સીએસએમટી સ્ટેશન બહારના માર્ગને બ્લૉક કર્યો હોવાથી વાહનવ્યવહારને અસર થઈ છે. દક્ષિણ મુંબઈ તરફ જતા માર્ગો પર વાહનોની લાંબી લાઈન જોવા મળી હતી.

આપણ વાંચો: મરાઠા આરક્ષણ આંદોલન બન્યું હિંસક, વિધાન સભ્યના ઘરને આગ લગાવવામાં આવી

પડી ભાંગેલી ટ્રાફિક વ્યવસ્થાને કારણે બસમાં સફર કરનારાઓ ત્રાસી ગયા હતા. બીજી બાજુ, આંદોલનની અસર ટ્રેન સેવા પર પણ પડી હતી. મધ્ય રેલવેની મેઈન લાઈન પરની લોકલ ટ્રેનો પંદરથી વીસ મિનિટ મોડી દોડી રહી હતી, જ્યારે હાર્બર લાઈન દસેક મિનિટ મોડી દોડતી હતી.

પશ્ર્ચિમ રેલવેની લોકલ ટ્રેનો પણ ટાઈમટેબલ ચૂકી હતી. વેસ્ટર્ન રેલવેની ટ્રેનો પંદરેક મિનિટ મોડી દોડતી હતી, જેને કારણે ટ્રેનના પ્રવાસીઓએ પણ હાલાકી ભોગવવી પડી હતી.

મરાઠા સમાજની કાર્યકરોને સૂચના

મરાઠા સમાજ દ્વારા વ્હૉટ્સઍપના માધ્યમથી કાર્યકરોને અમુક સૂચનાઓ આપવામાં આવી હતી, જેમાં કોઈએ પણ પાટા પર ઊતરવું નહીં, લોકલ ટ્રેનોમાં બહાર લટકીને પ્રવાસ કરવો નહીં, મુંબઈમાં નોકરિયાતોને તકલીફ ન પડે તે માટે શક્ય હોય તો સવારે પાંચથી આઠ વાગ્યા દરમિયાન જ ટ્રેનમાં પ્રવાસ કરવો. પાછા ફરતી વખતે રાતે આઠથી નવ વાગ્યા પછી જ ટ્રેનોનો ઉપયોગ કરવો, જેથી નોકરિયાતો મુશ્કેલી વિના ઘરે પહોંચી શકે.

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button