બસની તોડફોડ અને પ્રવાસીઓની મારપીટ: 10 મરાઠા કાર્યકર સામે ગુનો

મુંબઈ: જૂહુમાં બેસ્ટની બસમાં ઘૂસીને તોડફોડ કરી બે પ્રવાસી સાથે કથિત મારપીટ કરવા મામલે પોલીસે મરાઠા અનામતના 10 કાર્યકર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ ઘટના રવિવારની સાંજે 7.15 વાગ્યાની આસપાસ જૂહુ ડેપોમાં બની હતી. બેસ્ટની બસમાં ચઢેલા આંદોલનકારીઓનો સીટને મુદ્દે પ્રવાસીઓ સાથે વિવાદ થયો હતો. તે સમયે ડ્રાઈવર-ક્ધડક્ટર બસમાં નહોતા.
આપણ વાંચો: મરાઠા અનામતઃ સીએસએમટી સ્ટેશન બન્યું ‘શેલ્ટર હોમ’, પોલીસની સુરક્ષામાં વધારો…
ઉગ્ર બોલાચાલી પછી કાર્યકરોએ બસના કાચની તોડફોડ કરી હતી અને પ્રવાસીઓ સાથે મારપીટ કરી હતી. બસમાં ધમાલ થતાં બેસ્ટના કર્મચારીઓ દોડી આવ્યા હતા અને આંદોલનકારીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આંદોલનકારીઓએ બેસ્ટના કર્મચારીઓ સાથે પણ ઉદ્ધત વર્તન કર્યું હતું.
કર્મચારીઓએ તાત્કાલિક પોલીસ ક્ધટ્રોલ રૂમને જાણ કરી હતી. જોકે પોલીસ ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં આંદોલનકારીઓ અને પ્રવાસી રફુચક્કર થઈ ગયા હતા.
સંબંધિત ઘટનાનો વીડિયો બાદમાં સોશ્યલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયોમાં કાર્યકરો પ્રવાસીને બેરહેમીથી મારતા નજરે પડે છે. ઘટનાની ગંભીર નોંધ લઈ જૂહુ પોલીસે સોમવારની મોડી સાંજે 10થી 12 કાર્યકર વિરુદ્ધ મારપીટ અને દંગલ મચાવવાનો ગુનો નોંધ્યો હતો. પોલીસ વીડિયોની મદદથી આરોપીઓની ઓળખ મેળવી રહી છે. (પીટીઆઈ)