મરાઠા અનામતઃ સીએસએમટી સ્ટેશન બન્યું ‘શેલ્ટર હોમ’, પોલીસની સુરક્ષામાં વધારો…

મુંબઈઃ મરાઠા અનામત અપાવવા મુદ્દે મનોજ જરાંગે-પાટીલ ભૂખહડતાળ પર છે. આજે સોમવારે ચોથો દિવસ છે, ત્યારે મુંબઈ સીએસએમટી સહિત અન્ય સ્ટેશનો પર કાર્યકરો એઝ યુઝવલ ભીડ જોવા મળી હતી. સુરક્ષાના ભાગરુપે આરપીએફ અને જીઆરપીના વધુ જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે.
મોટા ભાગના પ્લેટફોર્મ પર સૂવાનું, ખાવાનું અને અમુક લોકો તો ટ્રેક પર લઘુશંકા કરતા હોવાનું પણ જણાવ્યું હતું. સીએસએમટી સ્ટેશનના સાતેય પ્લેટફોર્મ અને પેસેજમાં કાર્યકરોએ ધામા નાખેલા છે. સ્ટેશનના પરિસરમાંથી પ્રવાસીઓને અવરજવર કરવામાં રીતસર અગવડ પડી રહી હોવા છતાં પ્રવાસીઓ પણ હવે તેની અવગણના કરી રહ્યા છે.
બીજી બાજુ રેલવે સ્ટેશનના પરિસર બહાર પાલિકા બિલ્ડિંગ, જાહેર રસ્તાઓ પર પણ કુસ્તી અને કસરતો કરતા કાર્યકરો જોવા મળ્યા હતા, જેનાથી લોકોને કૌતુક પણ જાગ્યું હતું.
મહિલા પ્રવાસીઓમાં જોરદાર ‘નારાજગી’
પશ્ચિમ રેલવેની તુલનામાં મધ્ય રેલવેમાં સીએસએમટી, દાદર સહિતના સ્ટેશને કાર્યકરોની સૌથી વધુ ભીડ છે. સીએસએમટી સ્ટેશનના તમામ પ્લેટફોર્મ પર અડ્ડો જમાવી બેઠા હોવાથી દરેક ટ્રેનમાં મહિલાઓની ચઢઉતર પર કાર્યકરો તાકીને જોતા હોય છે. એક નહીં એક સાથે અનેક યુવાનોની શરમજનક વર્તણૂક જોવા મળે છે.
સ્ટેશન પર આવી વાત અસામાન્ય લાગે છે. સવાર સવારમાં ઠેરઠેર કચરાના ઢગલા અને લોકો જાણે ખાધાપીધા વિના બેઠા હોય એમ લાગતું હતું. આ પ્રકારનો માહોલ તો ક્યારેય જોવા મળ્યો નથી. વાસ્તવમાં મુંબઈ જેવા આર્થિક પાટનગરમાં આ પ્રકારની મૂવમેન્ટ મુદ્દે અનેક સવાલો ઊભા થાય છે, એમ પણ એક મહિલાએ જણાવ્યું હતું.
તહેવારોમાં વેપારીઓને જોરદાર ‘ફટકો’
મરાઠા આંદોલનને કારણે મહારાષ્ટ્રના ઠેકઠેકાણેથી આવેલા લાખો મરાઠાઓએ દક્ષિણ મુંબઈને છેલ્લા ત્રણ દિવસથી બાનમાં લીધું છે ત્યારે વેપારી વર્ગને આ આંદોલનનો મોટો ફટકો પડ્યો છે. ગણેશોત્સવ ચાલુ છે, મુંબઈગરાઓ સહિત અન્ય રાજ્યમાંથી આવનારા લોકોની સારી એવી ભીડ મુંબઈમાં જોવા મળતી હોય છે.
જેનો લાભ હંમેશાં વેપારી વર્ગને થતો હોય છે, પરંતુ હાલમાં મરાઠા આંદોલનને કારણે ટ્રાફિક જૅમ, રેલવે પ્રવાસમાં મુશ્કેલી તથા દુકાનો બંધ કરાવવામાં આવી હોવાને કારણે વેપારીઓને મોટો ફટકો પડ્યો છે. શનિ-રવિએ લોકોની ભીડ જામતી હોય છે, પરંતુ આંદોલનને કારણે મોટા ભાગના લોકોએ દક્ષિણ મુંબઈ તરફ આવવાનું ટાળ્યું છે.
વેપારીઓને દુકાનો બંધ રાખવાની ફરજ પડી છે ત્યારે વેપારી વર્ગને મોટો ફટકો પડ્યો છે. સરકારે તહેવારના સમયે મરાઠા આંદોલનને પરવાનગી આપી તથા તેનો ઉકેલ જલદીથી ન લાવતા વેપારીઓને થયેલી ખોટ અંગે નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે. આંદોલનનો મોટો દંડ વેપારીઓને થયો છે.
આ પણ વાંચો…‘હું સોમવારથી પાણી પીવાનું પણ બંધ કરીશ’: મનોજ જરાંગે – પાટીલે સરકારને ચેતવણી આપી
વિના ટિકિટ ટ્રાવેલ કરનારાને કોઈ પૂછનાર નથી?
મુંબઈ ‘લાઇફલાઇન’ ગણાતી લોકલમાં લાખો પ્રવાસીઓ રોજના પ્રવાસ કરતા હોય છે. દક્ષિણ મુંબઈમાં મોટા ભાગની ઓફિસ આવી હોવાથી નોકરિયાતોની અહીં અવરજવર વધુ હોય છે અને તેમનો એક જ સહારો લોકલ ટ્રેન હોય છે. છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલા આંદોલન દરમિયાન મરાઠાઓએ ટ્રેનમાં ભીડ કરી હતી.
ઘણી ઓફિસોને બંધ રાખવાની અથવા હાફ-ડે કરવાની ફરજ પડી હતી. રેલવેને પણ આખરે જાહેરાત કરવી પડી હતી કે કામ વગર ટ્રેનમાં પ્રવાસ કરવાનું ટાળવું. મરાઠા આંદોલનકારીઓ ખુલ્લેઆમ ટિકિટ વગર ફર્સ્ટ ક્લાસ કોચમાં પણ પ્રવાસ કરતા જોવા મળ્યા હતા, છતાં તેમને રોકનારું કોઇ નહોતું.
સામાન્ય રીતે ભૂલમાં કોઇ ફર્સ્ટ ક્લાસ કોચમાં ચડી જાય અથવા સામાન્ય નાગરિક ટિકિટ વગર પકડાય તો રેલવે દંડ લેવા સિવાય છૂટકો કરતી નથી, ત્યારે આંદોલનકારીઓ પાસેથી દંડ વસૂલાયો? ટ્રેનમાં ટિકિટ ચેકિંગ માટે આવનારા ટીસી ત્રણ દિવસથી અચાનક ક્યાં ખોવાઇ ગયા? એવો સવાલ મુંબઈગરાઓ કરી રહ્યા છે. અન્ય પ્રવાસીઓને અવરજવરમાં મુશ્કેલી પડી હતી. આ આંદોલનનો દંડ રેલવે પ્રવાસીઓને થયો છે.
આ પણ વાંચો…દક્ષિણ મુંબઈના હેરિટેજ ઝોન મરાઠા આંદોલનકારીઓનું પિકનિક સ્પોટ