મરાઠા આંદોલનકારી મનોજ જરાંગે મુંબઈમાં આવશે વેનિટી વૅનમાં
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મરાઠા આરક્ષણ માટે આંદોલન કરી રહેલા મનોજ જરાંગે-પાટીલ મુંબઈની રેલી માટે શનિવારે રવાના થવાના છે ત્યારે તેમને પ્રવાસમાં કોઈ અગવડ ન પડે તે માટે બીડના મરાઠા સમાજ દ્વારા તેમના માટે વેનિટી વૅન તૈયાર રાખવામાં આવી છે. આ વેનિટી વૅનમાં અદ્યતન સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે અને તેમાં એક તબીબી ટીમ પણ હાજર રાખવામાં આવશે.
એસી, ટીવી, ફ્રિજ, માયક્રોઓન બાથરૂમ જેવી સુવિધા વેનિટી વૅનમાં જરાંગે પાટીલને ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
મનોજ જરાંગે-પાટીલ જ્યાં સુધી અંતરવાલીમાં પાછા નહીં ફરે ત્યાં સુધી આ વેનિટી વૅન તેમની સાથે જ રહેશે અને તબીબી ટીમ પણ તેમની સાથે જ રહેશે.
બપોરે બાર વાગ્યા સુધી મનોજ જરાંગે-પાટીલ પગપાળા ચાાલશે અને ત્યારબાદ તેમને આરામ કરવાની વ્યવસ્થા વેનિટી વૅનમાં કરવામાં આવી છે. બાથરૂમ અને ટોઈલેટની વ્યવસ્થા પણ વેનિટી વૅનમાં જ કરવામાં આવી છે. મીડિયા માટે ચાર્જિંગની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે, એમ મરાઠા સમન્વયક ગંગાધર કાળકુટેએ શુક્રવારે કહ્યું હતું.
જરાંગે-પાટીલ માટે જે વેનિટી વૅન રાખવામાં આવી છે તે અત્યાર સુધી ફક્ત રાજકારણીઓ અને સેલિબ્રિટીઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવી છે. છ કરોડ મરાઠા માટે લડત આપી રહેલા જરાંગે-પાટીલની સુવિધા માટે આ વૅન લેવામાં આવી છે અને તેમને આ વૅનનો સ્વીકાર કરવાની વિનંતી કરવામાં આવશે એવું પણ કાળકુટેએ કહ્યું હતું.