વરસાદ અને આંદોલનને કારણે ‘રખડી’ પડ્યા મુંબઈગરાઓઃ રેલવેએ શું કરી અપીલ?
અમુક ઓફિસ વહેલી છોડવાને કારણે સ્ટેશનો પર હકડેઠઠ ભીડ, મહિલાઓ પરેશાન

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ મરાઠા સમાજને અનામત આપવા મુદ્દે મનોજ જરાંગેએ મુંબઈના આઝાદ મેદાન ખાતે હજારો કાર્યકરો સાથે કૂચ કર્યા પછી દક્ષિણ મુંબઈના મહત્ત્વના વિસ્તારોમાં ટ્રાફિક જામ સર્જાયો હતો, જ્યારે મધ્ય રેલવેએ પણ બિનજરુરી પ્રવાસ નહીં કરવાની પણ પ્રવાસીઓને અપીલ કરી હતી. વહેલી સવારથી બપોર સુધી મુંબઈના ફોર્ટ વિસ્તાર, કોબાલા, ચર્ચગેટ, સીએસએમટી સહિત અન્ય વિસ્તારોમાં હજારો કાર્યકરોએ કૂચ કરતા તમામ વિસ્તારોમાં વાહનોના જામ લાગ્યા હતા, જ્યારે સ્થાનિકોને પણ બહાર જવામાં તકલીફ પડી હતી, જ્યારે બેસ્ટની પણ મર્યાદિત બસસેવાને કારણે મુંબઈગરાઓ રખડી પડ્યાં હતા.
નરિમાન પોઈન્ટ, ફોર્ટ, કાલબાદેવી, ક્રોફર્ડ માર્કેટના વિસ્તારો જોરદાર ભીડ
મુંબઈના આઝાદ મેદાન ખાતે મનોજ જરાંગેને સમર્થન આપવા માટે હજારો કાર્યકરો મુંબઈ પહોંચવાને કારણે મુંબઈ આવનારા હજારો વાહનચાલકોને ટ્રાફિકજામનો સામનો કરવો પડ્યો હતો, તેમાંય વળી ચર્ચગેટ અને સીએસએમટી આવનારાને. દરમિયાન બપોર પછી ભારે વરસાદને કારણે મોટા ભાગના કાર્યકરોએ રેલવે સ્ટેશનમાં આશરો લેવાને કારણે ચર્ચગેટ સહિત સીએસએમટી સ્ટેશન પર લોકોની હકડેઠઠ ભીડ જામી હતી. નરિમાન પોઈન્ટ, ફોર્ટ, કાલબાદેવી, ક્રોફર્ડ માર્કેટના વિસ્તારો જોરદાર ભીડ હતી. તકેદારીના ભાગરુપે અમુક સરકારી કચેરીઓને વહેલી છોડવાને કારણે સ્ટેશન પર રેગ્યુલર કરતા વધારે ભીડ જામી હતી. મહિલાઓને ટ્રેન પકડવામાં હાલાકી પડી હતી.

સ્ટેશનના પરિસરમાંથી બહાર નીકળવામાં 10 મિનિટનો સમય લાગ્યો
એક મહિલાએ કહ્યું હતું કે અચાનક વહેલી ઓફિસ છોડી દેવાને કારણે સીએસએમટી સ્ટેશન પર પ્રવાસીઓની ભયંકર ભીડ હતી. રેલવે સ્ટેશન પર જોઈએ તો હજારો લોકો ધામા નાખ્યા હતા. રેલવે સ્ટેશનની લોબીમાં સેંકડો લોકો સૂઈ ગયા હતા, જ્યારે શોર્ટ ડિસ્ટન્સની ટ્રેનો રદ કરવામાં આવતી હતી. બીજી બાજુ એસી લોકલ છોડવામાં આવતા રેગ્યુલર ટ્રેનોની ફ્રિકવન્સી બંધ કરી નાખી હતી. અધૂરામાં પૂરું મોટા ભાગના કાર્યકરો દોડીને ટ્રેન પકડતા અને મહિલાઓના કોચમાં મુસાફરી કરવાને કારણે મહિલાઓને પારાવાર મુશ્કેલી પડી હતી. સીએસએમટી સ્ટેશનની બહાર પહોંચવામાં દસ મિનિટનો સમય લાગ્યો હતો. આ પ્રકારના આંદોલનથી સામાન્ય માણસને કેટલી તકલીફ પડે એનું ધ્યાન રાખવું જોઈએ, એમ કલ્યાણાના પ્રવાસીએ જણાવ્યું હતું.

અનિર્વાય ના હોય તો મુસાફરી નહીં કરવાની રેલવેની ભલામણ
દરમિયાન મધ્ય રેલવેના અધિકારીએ પણ સીએસએમટી સ્ટેશન પર હજારો લોકો એકત્ર થઈ ગયા હતા, તેથી પ્રવાસીઓને બિનજરુરી ટ્રાવેલ નહીં કરવાની ભલામણ કરી હતી. જો અનિવાર્ય નહીં હોય તો સીએસએમટી સુધી ટ્રાવેલ કરવું નહીં. રેલવેએ આવી કોઈ અપીલ કરવી જ હોય તો વહેલી કરવી જોઈએ. લોકો બહાર નીકળી ગયા પછી શું કરે, એમ પ્રવાસી સંગઠને જણાવ્યું હતું.

બસની પણ મર્યાદિત ફ્રિકવન્સીને કારણે પ્રવાસીઓ પરેશાન
પશ્ચિમ અને મધ્ય રેલવેમાં સીએસએમટી સહિત હાર્બર લાઈન (વડાલા)ના રેલવે સ્ટેશનો પર પણ રેગ્યુલર પ્રવાસીઓની સાથે કાર્યકરોની ભીડ હતી, જ્યારે બસની સેવાઓ નહીં હોવાને કારણે ટ્રેનોમાં પણ ભીડ હતી. મહત્ત્વના રુટ્સ પર ભીડ હોવાને કારણે બેસ્ટની બસોને ડાઈવર્ઝન આપવામાં આવ્યા હતા, જેથી બેસ્ટની બસોમાં પણ પેસેન્જરની જોરદાર ભીડને કારણે સિનિયર સિટિઝન સહિત મહિલાઓને ટ્રાવેલ કરવામાં હાલાકી પડી હતી. બેસ્ટના અધિકારીએ કહ્યું હતું કે મુંબઈની તમામ બસોને દાદર સહિત ભારત માતા અને મુંબઈ સેન્ટ્રલમાં ટૂંકાવી હતી.
આ પણ વાંચો…મરાઠા આંદોલન: ચર્ચગેટ, હુતાત્મા ચોક અને કોલાબા જામ, મુંબઈ લોકલ ટ્રેનના શું હાલ છે?,