મનોજ જરાંગેને હાઈ કોર્ટમાં હાજર રહેવાનો આદેશ
મુંબઈ આવી રહેલી પદયાત્રાને રોકવાનો અદાલતનો ઈનકાર
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મરાઠા નેતા મનોજ જરાંગે-પાટીલમરાઠા આરક્ષણની માગણી માટે અંતરવાલી સરાટી ગામથી મુંબઈની દિશામાં પગપાળા રવાના થયા છે. તેમનો પગપાળા મોરચો બુધવારે પુણેમાં પહોંચ્યો હતો. ગુરુવારે સવાર સુધીમાં તેઓ મુંબઈની ભાગોળે પહોંચી શકે છે. તેમની સાથે હજારો મરાઠા કાર્યકર્તા મોરચામાં સહભાગી થયા છે.
મનોજ જરાંગે-પાટીલના આંદોલન સામે એડવોકેટ ગુણરત્ન સદાવર્તે મુંબઈ હાઈ કોર્ટમાં ગયા હતા અને ન્યાયમૂર્તિ અજય ગડકરી સમક્ષ સુનાવણી પાર પડી હતી. રાજ્યના એડવોકેટ જનરલ ડૉ. રવીન્દ્ર સરાફ પણ હાઈ કોર્ટમાં હાજર હતા. જોકે, મુંબઈ હાઈકોર્ટે મોરચા પર પ્રતિબંધ લાદવાની માગણી સ્વીકારી નહોતી. આ કેસની આગામી સુનાવણી 14 ફેબ્રુઆરી પર રાખવામાં આવી છે.
ગાડીઓ અને બળદગાડા સહિત અનેક મરાઠા સમાજના લોકો મુંબઈની દિશામાં આવી રહ્યા છે. તેમના આંદોલનને કારણે મુંબઈમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનો પ્રશ્ર્ન નિર્માણ થઈ શકે છે. આથી આ મોરચા પર પ્રતિબંધ લાદવામાં આવે. સરકારે આ મોરચા પર આકરી કાર્યવાહી કરવી એવી માગણી વકીલ ગુણરત્ન સદાવર્તેએ હાઈ કોર્ટમાં કરી હતી. મનોજ જરાંગે-પાટીલ સામે ફોજદારી ગુનો નોંધવામાં આવે એવી મુખ્ય માગણી પણ વકીલ સદાવર્તેએ કરી હતી.
બીજી તરફ મનોજ જરાંગે-પાટીલને મુંબઈમાં આંદોલન માટે આઝાદ મેદાન સહિત કોઈપણ પોલીસ સ્ટેશને પરવાનગી આપી નથી. આઝાદ મેદાનના આંદોલન માટે જરાંગે-પાટીલ સહિત ઓબીસી નેતાઓએ પણ આંદોલન માટે અરજી કરી છે. પોલીસે અત્યાર સુધી કોઈને પરવાનગી આપી નથી.
આવી રીતે લોકોની ભીડ એકઠી કરીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ નિર્માણ થઈ શકે છે. આ પ્રકરણે કલમ 302 એટલે કે હત્યા જેવા ગુનો નોંધવામાં આવ્યો છે. અંતરવાલી સરાટીમાં 29 પોલીસો જખમી થયા હતા. તેનોે દાખલો પણ સદાવર્તેએ કોર્ટમાં આપ્યો હતો.
અદાલતે મહત્ત્વના નિર્દેશ આપતાં કહ્યું હતું કે સરકારે રોડ બ્લોક ન થાય તેનું ધ્યાન રાખવું. સાર્વજનિક વાહનવ્યવસ્થા ખોરવાય નહીં તેનું ધ્યાન રાખવું.
હાઈકોર્ટે કહ્યું હતું કે મનોજ જરાંગે પાટીલને હાઈ કોર્ટમાં હાજર થવા અંગે નોટિસ મોકલવી. આઝાદ મેદાન પોલીસે જરાંગે-પાટીલને નોટિસ આપવી. આઝાદ મેદાનમાં પાંચ હજારથી વધુ લોકો સમાઈ શકે એમ નથી એ બાબતની જાણકારી જરાંગે-પાટીલને આપવી, એમ પણ કોર્ટે કહ્યું હતું.
હું મુંબઈ જઈશ જ: મનોજ જરાંગે પાટીલ
મુંબઈ: મરાઠા આરક્ષણ કાર્યકર્તા મનોજ જરાંગે-પાટીલે મુંબઈ હાઈકોર્ટના આદેશ પર પોતાની પ્રતિક્રિયા આપતાં મુંબઈમાં જવા પર મક્કમ હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે અદાલત અમને પણ ન્યાય આપશો. અમારા વકીલ પણ કોર્ટમાં જઈને અમારી રજૂઆત કરશે. નોટિસ કઈ બાબતની છે તેને પહેલાં જોવામાં આવશે. ન્યાયમંદિર બધા માટે છે. તેમાં ગભરાવા જેવું કશું જ નથી. તેમની સમક્ષ જે રજૂઆત કરવામાં આવી તેને આધારે તેમણે નિર્ણય આપ્યો છે. અમે પણ અમારી બાજુ રજૂ કરીશું.