BMC ચૂંટણીઓ વચ્ચે મહારાષ્ટ્રના રાજકારણમાં ઉથલપાથલના એંધાણ! અજિત પવારના બીજા એક પ્રધાન રાજીનામું આપશે?

મુંબઈઃ મહારાષ્ટ્રમાં ચૂંટણીઓની જાહેરાત થઇ ગઈ છે ત્યારે રાજકારણ પણ ગરમાયું છે. સદનિકા કૌભાંડ કેસમાં નાસિક જિલ્લા કોર્ટે 16 નવેમ્બરના ચુકાદો આપ્યો હતો. ચુકાદામાં મહારાષ્ટ્રના રમતગમત પ્રધાન માણિકરાવ કોકાટેને ફટકારેલી બે વર્ષની સજાને કોર્ટે યથાવત રાખી છે ત્યાર બાદ બીજા જ દિવસે પોલીસે માણિકરાવ કોકાટેની ધરપકડની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
તેમની વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવા માટે અરજી દાખલ કરવામાં આવી છે અને ગમે ત્યારે વોરંટ જારી થવાની શક્યતા છે. અંજલી દિઘોલેએ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ધરપકડ વોરંટ માટે અરજી દાખલ કરી છે. આ અરજી પર કોર્ટ શું નિર્ણય લે છે તેના પર બધાની નજર છે.
જો ધરપકડ વોરંટ જારી કરવામાં આવે તો પક્ષની મુશ્કેલીઓ વધી શકે છે. અજિત પવાર શું નિર્ણય લે છે એ અંગે રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે. દરમિયાન, બુધવારે સવારે અજિત પવાર મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને તેમના ‘વર્ષા’ નિવાસસ્થાને મળ્યા હતા.
આ બેઠક દરમિયાન માણિકરાવ કોકાટેના રાજીનામા અંગે ચર્ચા થઈ હોવાનું બહાર આવ્યું છે. અજિત પવારે દેવેન્દ્ર ફડણવીસને માણિકરાવ કોકાટે કેસ વિશે સંપૂર્ણ માહિતી આપી હતી. આ પછી દેવેન્દ્ર ફડણવીસે માણિકરાવ કોકાટેના રાજીનામા અંગેનો નિર્ણય અજિત પવાર પર છોડ્યો હતો.
સૂત્રોએ જણાવ્યું હતું કે, દેવેન્દ્ર ફડણવીસે અજિત પવારને સીધું જ પૂછ્યું હતું કે માણિકરાવ કોકાટેનું મંત્રાલય કોને આપવું જોઈએ. સૂત્રો મુજબ, જો હાઈકોર્ટ આ નિર્ણય પર સ્ટે આપે તો જ માણિકરાવ કોકાટેનું પ્રધાનપદ યથાવત રહેશે. જો આવું ન થાય, તો માણિકરાવ કોકાટેનો વિભાગ કોને સોંપવો તેનો નિર્ણય અજિત પવાર કરશે. આ પહેલા, અજિત પવાર જૂથના પ્રધાન ધનંજય મુંડેએ પણ રાજીનામું આપવું પડ્યું હતું. હવે, જોવાનું એ રહે છે કે માણિકરાવ કોકાટે રાજીનામું આપશે કે નહીં.



