સાપે ડંખ માર્યાની બૂમાબૂમ કરી વેપારીએ સી-લિંક પરથી દરિયામાં ઝંપલાવ્યું

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સાપે ડંખ માર્યાની બૂમાબૂમ કરીને ટૅક્સી રોકાવ્યા પછી ઈમિટેશન જ્વેલરીના વેપારીએ બાન્દ્રા-વરલી સી-લિંક પરથી દરિયામાં કૂદકો માર્યો હતો. પાણીમાં ડૂબીને મૃત્યુ પામેલા વેપારીનો મૃતદેહ જૂહુના દરિયાકિનારેથી મળી આવતાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
બાન્દ્રા પોલીસના જણાવ્યા મુજબ મૃતકની ઓળખ અમિત ચોપ્રા (47) તરીકે થઈ હતી. અમિત અંધેરી વેસ્ટમાં પત્ની અને પુત્ર સાથે રહેતો હતો. રાજસ્થાનના જોધપુરનો વતની અમિત ઈમિટેશન જ્વેલરીનો વ્યવસાય ધરાવતો હતો. વ્યવસાયમાં નુકસાનને કારણે તેણે કથિત આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું. જોકે આ બાબતની ખાતરી વિગતવાર તપાસમાં જાણી શકાશે, એમ પોલીસનું કહેવું છે.
આ પણ વાંચો: ઘાટકોપરના વેપારીની સી-લિંક પરથી કૂદકો મારી આત્મહત્યા
અધિકારીએ જણાવ્યું હતું કે ઘટના મંગળવારની મધરાત બાદ દોઢ વાગ્યાની આસપાસ બની હતી. મધરાતે એક વાગ્યે અમિત ઘરની બહાર નીકળ્યો હતો અને ટૅક્સીમાં બાન્દ્રા પહોંચ્યો હતો. ત્યાંથી ટૅક્સી બાન્દ્રા-વરસી સી-લિંક પરથી પસાર થઈ રહી હતી ત્યારે તેણે અચાનક સાપ કરડ્યો હોવાની બૂમાબૂમ કરી હતી. અમિતના કહેવાથી ડ્રાઈવરે ટૅક્સી રોકી હતી. ડ્રાઈવર કંઈ સમજે તે પહેલાં ટૅક્સીમાંથી ઊતરીને અમિતે સી-લિંક પરથી કૂદકો માર્યો હતો.
ડરી ગયેલા ટૅક્સી ડ્રાઈવરે આ બાબતે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. બાન્દ્રા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી ત્યારે બુધવારની સવારે 10 વાગ્યે અમિતનો મૃતદેહ જૂહુના દરિયાકિનારેથી મળી આવ્યો હતો. માછીમારની નજર મૃતદેહ પર પડતાં સાંતાક્રુઝ પોલીસને જાણ કરી હતી. સાંતાક્રુઝ પોલીસની ટીમે ફાયર બ્રિગેડના જવાનોની મદદથી મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે હૉસ્પિટલમાં મોકલી આપ્યો હતો. મૃતદેહ અમિતનો હોવાની ખાતરી ટૅક્સી ડ્રાઈવરે કરી હતી. પોલીસને સુસાઈડ નોટ મળી ન હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.