આમચી મુંબઈ

મોઢામાં ટૉવેલનો ડૂચો માર્યા પછી ગળું દબાવી પત્નીની હત્યા કરનારો પકડાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
લગ્નેત્તર સંબંધની શંકા પરથી પતિએ મોઢામાં ટૉવેલનો ડૂચો મારી પત્નીની કથિત હત્યા કરી હોવાની ઘટના ગોરેગામમાં બની હતી. પોતે કરેલા અધમ કૃત્યની જાણ પત્નીની બહેનપણીને ફોન પર કરીને ફરાર થઈ ગયેલા પતિને પોલીસે કલ્યાણથી પકડી પાડ્યો હતો.

ગોરેગામ પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ રૉયલ શેખ (20) તરીકે થઈ હતી. શેખ પત્ની રેખા ખાતૂન ઉર્ફે રાબિયા શેખ (23) સાથે ગોરેગામની તબેલા ચાલમાં રહેતો હતો. શેખ દંપતી છ મહિના પહેલાં જ કોલકતાથી મુંબઈ રહેવા આવ્યું હતું, એમ અધિકારીએ જણાવ્યું હતું.

પોલીસ ફરિયાદ અનુસાર વર્ષ અગાઉ જ બન્નેએ પ્રેમલગ્ન કર્યાં હતાં, પરંતુ છેલ્લાં અમુક સપ્તાહથી દંપતી વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. ગુસ્સામાં શેખ પત્ની રેખાની મારપીટ સુધ્ધાં કરતો હતો, એવું પડોશીઓએ પોલીસને કહ્યું હતું.

આપણ વાંચો: અમદાવાદમાં બે હત્યાઃ હત્યારાની શોધમાં પોલીસ, કારણ અકળ…

પોલીસ તપાસમાં જણાયું હતું કે રેખાને લગ્નેત્તર સંબંધ હોવાની શંકા શેખને હતી. રવિવારની બપોરે આ જ મુદ્દે બન્ને વચ્ચે ફરી ઝઘડો થયો હતો. શેખે મારપીટ કરતાં રેખાની આંખ, નાક અને મોઢા પર ઇજા થઈ હતી. રડતી રેખાએ મદદ માટે બૂમો પાડવા માંડતાં તેને ચૂપ કરવાને ઇરાદે શેખે મોઢામાં ટૉવેલનો ડૂચો માર્યો હતો. અસહાય રેખાની ફરી મારપીટ કરી શેખે તેનું ગળું દબાવ્યું હતું.

રેખા બેભાન થઈ ગઈ હોવાનું જોઈ આરોપી ઘરની બહાર જતો રહ્યો હતો. જતાં જતાં તેણે દરવાજાને બહારથી કડી લગાવી હતી. થોડી મિનિટ પછી તેણે રેખાની બહેન પણી રાખી શેખને ફોન કરી પોતે પત્નીની હત્યા કરી હોવાની જાણ કરી હતી. રાખી તરત જ રેખાને ઘરે પહોંચી ત્યારે જમીન પર બેભાન અવસ્થામાં રેખા નજરે પડી હતી. જોગેશ્ર્વરીના ટ્રોમા કૅર સેન્ટરમાં લઈ જવાયેલી રેખાને તબીબે મૃત જાહેર કરી હતી.

આ પ્રકરણે ગોરેગામ પોલીસે એફઆઈઆર નોંધી ફરાર શેખની હાથ ધરી હતી. રવિવારની મોડી રાતે પોલીસે શેખને કલ્યાણથી પકડી પાડ્યો હતો. તે પશ્ર્ચિમ બંગાળના મુર્શિદાબાદ જવાની તૈયારીમાં હતો, એવું અધિકારીએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button