10 રોકાણકાર સાથે 47 લાખની છેતરપિંડી કરનારો પકડાયો

થાણે: કાર ડીલિંગમાં રોકાણ કરવા પર આકર્ષક વળતરની લાલચે 10 રોકાણકાર સાથે 47 લાખ રૂપિયાની છેતરપિંડી કરી એક વર્ષથી ફરાર થયેલા આરોપીને પોલીસે પકડી પાડ્યો હતો. ગુરુવારે ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ ઝાકીર અલી સમદ અલી કાઝી (50) તરીકે થઈ હતી.
રાબોડી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો ગુનો નોંધાયો ત્યારથી જુલાઈ, 2023થી કાઝી સંતાતો ફરતો હતો. પોલીસે તેને ટ્રેસ કરી આખરે મુંબ્રાથી પકડી પાડ્યો હતો. આ કેસમાં પોલીસ કાઝીના પુત્ર અદનાન કાઝી (23)ની શોધ ચલાવી રહી છે.
પોલીસના જણાવ્યા મુજબ ભૂતકાળમાં કાઝી વિરુદ્ધ છેતરપિંડીના ચાર ગુના નોંધાયા હતા. રોકાણકારોનો વિશ્ર્વાસ સંપાદન કરવા માટે કાઝી તેના પરિવારજનોનો ઉપયોગ કરતો હતો.
આપણ વાંચો: રેલવેમાં નોકરીની લાલચે 74.40 લાખ રૂપિયાની છેતરપિંડી: નવ સામે ગુનો
કાઝી પોતાના કારના ખરીદ-વેચાણના વ્યવસાયમાં નાણાં રોકવાનું રોકાણકારોને કહેતો હતો. શરૂઆતમાં કાઝીએ રોકાણકારોને સારું વળતર આપ્યું હતું, પરંતુ પછી નાણાં ચૂકવવાનું બંધ કરી દીધું હતું.
બાદમાં 2022માં તેણે પોતાનો વ્યવસાય બંધ કરી દીધો હતો. એકાએક ગુમ થઈ ગયેલા કાઝીનો સંપર્ક થઈ શક્યો નહોતો. પરિણામે જુલાઈ, 2023માં રોકાણકારોએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને 47.69 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
કાઝી અને તેના પુત્ર વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 420, 409, 406, 34 અને 120બી હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ પ્રકરણે પોલીસ વધુ તપાસ કરી રહી છે. (પીટીઆઈ)