મલબાર હિલમાં ગુજરાતી-મારવાડી મતદારો નિર્ણાયક, પણ ગુજરાતી ઉમેદવારોનો દુકાળ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દક્ષિણ મુંબઈનો પૉશ અને વીઆઈપી લોકોનો વિસ્તાર ગણાતો મલબાર હિલ રાજકીય દૃષ્ટિએ મહત્ત્વનો માનવામાં આવે છે. આ પરિસરમાં ગુજરાતી, જૈન અને મારવાડીઓની સંખ્યા વધુ હોવાથી તેમના મત ચૂંટણીનાં પરિણામની દિશા નક્કી કરી શકે છે. આ વિસ્તારમાં ભાજપનું પ્રભુત્વ હોવા છતાં મુંબઈ મહાપાલિકાની ચૂંટણી માટે ગુજરાતી ઉમેદવારોનો જાણે દુકાળ હોવાનું ચિત્ર ઊભું થયું છે.
મલબાર હિલ વિધાનસભા ક્ષેત્ર હેઠળ આવતા પાંચ વૉર્ડ 214, 215, 217, 218 અને 219માં ચૂંટણી રસાકસી ભરી રહેવાની સંભાવના છે, કેમ કે 2017ની મહાપાલિકાની ચૂંટણીમાં માત્ર એક જ સીટ પર શિવસેનાની જીત થઈ હતી. બાકીની ચાર સીટ ભાજપે અંકે કરી હતી, પરંતુ આ વખતે શિવસેના (યુબીટી) અને મનસેની યુતિ હોવાથી ભાજપને કઈ રીતે ટક્કર આપે છે તે જોવું રહ્યું.
મહાપાલિકાની છેલ્લી ચૂંટણીમાં મલબાર હિલમાંથી બે ગુજરાતી નગરસેવિકા ચૂંટાઈ આવી હતી, જેમાં 217 વૉર્ડનાં મિનલ પટેલ અને 219 વૉર્ડનાં જ્યોત્સ્ના મહેતાનો સમાવેશ થાય છે. આ વખતે જ્યાત્સ્ના મહેતાનો વૉર્ડ ઓબીસી રિઝર્વ થઈ ગયો છે, જ્યારે મિનલ પટેલનો વૉર્ડ ઓબીસીમાંથી જનરલ થઈ ગયો છે. એમાં જ્યોત્સ્નાબહેન આગામી ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવા ઇચ્છુક નથી એટલે આ બન્ને વૉર્ડમાં કોને ટિકિટ મળે એના પર કાર્યકરોની નજર છે.
જ્યોત્સ્ના મહેતાએ ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે મારો વૉર્ડ ઓબીસી માટે રિઝર્વ થઈ ગયો છે અને હું પોતે પણ ચૂંટણી લડવાની ઇચ્છા ધરાવતી નથી. બે ટર્મ માટે નગરસેવિકા ચૂંટાઈ હતી ત્યારે મેં આ વિસ્તારમાં ઘણાં કામ કર્યાં છે અને છેલ્લાં ચારેક વર્ષથી નગરસેવિકા પદ નહોતું ત્યારેય કામને પ્રાધાન્ય આપ્યું છે, પણ હવે નવયુવાનોને મોકો મળે એવું હું ઇચ્છું છું.
રાજકીય વર્તુળોમાંથી માહિતી મળે છે કે આ વિસ્તારમાં હાઈ પ્રોફાઈલ લોકોની વસતિ વધુ હોવાથી ભાજપને ઓબીસી ઉમેદવાર મળવો મુશ્કેલ છે. પરિણામે બહારની વ્યક્તિને અહીંની ઉમેદવારી આપવી પડે એવા સંજોગો ઊભા થયા છે.
મલબાર હિલમાં ગુજરાતી ઉમેદવારો ન મળે તોય અહીં ગુજરાતી, મારવાડી અને જૈન મતદારો નિર્ણાયક સાબિત થશે. પાંચેય વૉર્ડમાં કુલ મતદારો 2,61,556 છે, જેમાં 1,35,020 પુરુષ અને 1,26,526 મહિલાનો સમાવેશ થાય છે. આમાં મુસ્લિમ મતદારોની સંખ્યા લગભગ 7.3 ટકા જેટલી છે.
પાલિકાની છેલ્લી ચૂંટણીમાં મલબાર હિલના 214 અને 218 વૉર્ડમાંથી અનુક્રમે ભાજપનાં ઉમેદવાર સરિતા પાટીલ અને અનુરાધા પોતદાર તેમ જ 215 વૉર્ડ પરથી શિવસેનાની અરુંધતી દુધવડકર ચૂંટાયાં હતાં.



