ગવળીના ખંડણી કેસની ‘મકોકા’ ફાઈલ મળતી નથી: Crime Branch

મુંબઈ: ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ વિશેષ અદાલતને જાણ કરી હતી કે ૨૦૦૫માં ગેંગસ્ટરમાંથી રાજકારણી બનેલા અરુણ ગુલાબ ગવળી સામે નોંધાયેલા ખંડણીના કેસમાં મહારાષ્ટ્ર કંટ્રોલ ઑફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ (Maharashtra Control of Organised Crime Act -Mcoca)ની કડક જોગવાઈઓ લાગુ કરવા સંબંધિત દસ્તાવેજો શોધી શકાયા નથી.
આ નિવેદન વિશેષ મકોકા ન્યાયાધીશ બીડી શેલ્કે દ્વારા જારી કરાયેલા નિર્દેશના જવાબમાં આવ્યું છે, જેમાં ગુમ થયેલા દસ્તાવેજો રજૂ કરવા માટે ક્રાઈમ બ્રાન્ચને આદેશ આપ્યો હતો.
શિવસેનાના નેતા અને કોર્પોરેટર કમલાકર જામસાંડેકરની હત્યાના કેસમાં નાગપુર સેન્ટ્રલ જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા અરુણ ગવળી જામીન પર બહાર છે. વર્તમાન ખંડણીનો કેસ ગવળી અને તેની ગેંગના સભ્યો સામે ૨૦૦૫માં મુંબઈ, થાણે અને કલ્યાણમાં મિલકતો હડપ કરવા માટે ધમકીઓનો ઉપયોગ કરીને નાણાંની કથિત ખંડણી, નાણાંકીય લાભ મેળવવા અને ધમકીઓ આપવા બદલ દાખલ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: અન્ડરવર્લ્ડ ડૉન અરુણ ગવળીને જેલમાંથી મુક્ત કરવાનો હાઈ કોર્ટનો આદેશ
સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરના જણાવ્યા અનુસાર આ સામગ્રી ૨૦૧૩ના મુંબઈ પૂરમાં ખોવાઈ ગયેલા દસ્તાવેજોમાંનો એક હતો, જે હાલમાં મળી રહ્યો નથી. ગયા મહિને કોર્ટે નોંધ્યું હતું કે સત્તાવાર અધિકારીઓના અસ્પષ્ટ નિવેદનો સ્વીકાર્ય નથી. તેઓએ એવી પણ ટીપ્પણી કરી હતી કે ટ્રાયલ અનિશ્ચિત સમય માટે વિલંબિત થઈ શકે નહીં, કારણ કે કેસ દસ વર્ષથી વધુ જૂનો છે.
કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે આવા કેસોને પ્રાથમિકતા આપવી જોઈએ અને પ્રોસિક્યુશન અને ઇન્ચાર્જ અધિકારીને જરૂરી દસ્તાવેજો સબમિટ કરવા માટે ચોક્કસ સમયમર્યાદા પ્રદાન કરવા જણાવ્યું હતું.