ચર્ચગેટ સ્ટેશન પર ટ્રેન મેનેજરની ત્વરિત કામગીરીથી આગની દુર્ઘટના ટળી…

મુંબઈઃ પશ્ચિમ રેલવેમાં આજે સવારે ટ્રેન મેનેજરની ત્વરિત કામગીરીને કારણે ચર્ચગેટ સ્ટેશનના પરિસરમાં આગની મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. સ્ટેશન પરિસરમાં આવેલા એક આઈસ્ક્રીમ સ્ટોલ પર શોર્ટ સર્કિટ થતાં આ ઘટના બની હતી. પરિસ્થિતિ ઝડપથી વણસી ગઈ હોત અને વ્યસ્ત રેલવે સ્ટેશન પર જાન-માલનું જોખમ ઊભું થયું હોત, પરંતુ સદ્ભાગ્યે, ઘટનાસ્થળે હાજર જોશીએ વીજળીના તણખા જોતા જ ડર્યા વિના ત્વરિત પગલાં લીધાં હતા.
પશ્ચિમ રેલવેના પ્રવક્તાએ જણાવ્યું હતું કે સવારે 8.10 વાગ્યે એક્ઝોસ્ટ ફેન વધુ ગરમ થવાને કારણે ધુમાડો નીકળ્યો અને રેલવે સ્ટાફ દ્વારા અગ્નિશામકનો ઉપયોગ કરીને માત્ર 3 મિનિટમાં પરિસ્થિતિ કાબુમાં લેવામાં આવી હતી.
એક અધિકારીના જણાવ્યા મુજબ પ્રશંસનીય હિંમત અને સતકર્તા બતાવતા ઘટનાસ્થળે દોડી ગયા હતા અને આગ વધુ ફેલાય તે પહેલાં જ અગ્નિશામક ઉપકરણ દ્વારા તેને સફળતાપૂર્વક બુઝાવી દીધી. તેમના ત્વરિત પગલાંથી આગ કાબૂમાં આવી ગઈ, જેના કારણે ગંભીર દુર્ઘટના ટાળી શકાઈ.
રેલવે પ્રશાસને એક સત્તાવાર નિવેદનમાં ટ્રેન મેનેજરની અસાધારણ કાર્યની નોંધ લેતા તેમની સતર્કતા, સમર્પણ અને જવાબદારીની ભાવનાની પ્રશંસા કરી હતી. વહીવટીતંત્રે સંભવિત ભયાનક દુર્ઘટના રોકવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા બદલ તેમની હિંમત અને સમયસર કાર્યવાહી બદલ તેમની સરાહના કરી. અહીં એ જણાવવાનું પશ્ચિમ રેલવેમાં ચર્ચગેટ મહત્ત્વનું રેલવે સ્ટેશન છે, જ્યારે સમગ્ર કોરિડોરમાં રોજના 35 લાખથી વધુ પ્રવાસીઓ લોકલ ટ્રેનમાં ટ્રાવેલ કરે છે.