ભારતમાં ડ્રગ્સ બનાવવાનાં કારખાનાં શરૂ કરનારો મુખ્ય આરોપી યુએઈમાં પકડાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વિદેશમાં બેસીને ભારતમાં ડ્રગ્સના ઉત્પાદન અને વિતરણનું સૂત્રસંચાલન કરનારા મુખ્ય આરોપીની યુએઈમાં ધરપકડ કરવામાં આવી હતી. આરોપી શેરાને ઇરાદે ભારતનાં વિવિધ રાજ્યોમાં ડ્રગ્સનાં કારખાનાં શરૂ કરાયાં હતાં, જેમાં કરોડો રૂપિયાના ડ્રગ્સનું ઉત્પાદન કરાયું હતું. ડિપોર્ટ કરી ભારત લવાયેલા શેરાને કોર્ટે પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો.
ક્રાઈમ બ્રાન્ચની એન્ટિ-નાર્કોટિક્સ સેલ (એએનસી)ના ઘાટકોપર યુનિટે રવિવારે સલમાન સલીમ શેખ ઉર્ફે શેરાની ધરપકડ કરી હતી. ડ્રગ્સના કેસમાં શેરાની સંડોવણી સામે આવતાં તેની શોધ ચલાવાઈ રહી હતી. શેરા યુએઈમાં હોવાની માહિતી મળતાં તેની વિરુદ્ધ રેડ કૉર્નર નોટિસ ઈશ્યૂ કરવામાં આવી હતી.
રેડ કૉર્નર નોટિસને આધારે યુએઈ પોલીસે ગયા સપ્તાહે શેરાને તાબામાં લીધો હતો. કેન્દ્રીય એજન્સી મારફત કાનૂની પ્રક્રિયા પૂરી કરી શેરાને રવિવારના મળસકે ભારત લાવવામાં આવ્યો હતો. બાદમાં શેરાને એએનસીના તાબામાં સોંપાયો હતો.
એએનસીના ડેપ્યુટી પોલીસ કમિશનર નવનાથ ઢવળેએ જણાવ્યું હતું કે મુંબઈ સેન્ટ્રલ પરિસરમાંથી જપ્ત કરાયેલા મેફેડ્રોન ડ્રગ (એમડી)ની તપાસ દરમિયાન શેરાનું નામ સામે આવ્યું હતું. એ કેસમાં અગાઉ ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
ઑગસ્ટ, 2022માં ઘાટકોપર યુનિટના અધિકારીઓ પેટ્રોલિંગ પર હતા ત્યારે માહિતીને આધારે મુંબઈ સેન્ટ્રલના બેલાસીસ રોડ પરથી મોહમ્મદ શાહરુખ મોહમ્મદ શફી શેખ (28)ને પકડી પાડ્યો હતો. પૂછપરછમાં શેખે આપેલી માહિતીને આધારે તેના ત્રણ સાથીની પણ ધરપકડ કરાઈ હતી. આરોપીઓ પાસેથી એક કરોડ રૂપિયાનું એમડી અને 1.25 કરોડની રોકડ જપ્ત કરવામાં આવી હતી.
આરોપીઓ પાસેથી જપ્ત કરવામાં આવેલું એમડી શેરાના હસ્તકો દ્વારા ચલાવાતા કારખાનામાંથી લાવવામાં આવ્યું હોવાનું તપાસમાં જણાયું હતું. શેરા યુએઈમાં બેસીને ભારતનાં અલગ અલગ શહેરોમાં ડ્રગ્સનું ઉત્પાદન કરતાં કારખાનાં ચલાવતો હતો. ચાર કેસમાં તેની સંડોવણી સામે આવી હતી.
કહેવાય છે કે ડોંગરીમાં 2015માં ડ્રગ્સ સાથે શેરા પકડાયો હતો. જામીન પર છૂટ્યા બાદ તે ફરાર થઈ ગયો હતો. ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-6ના અધિકારીઓએ 2023માં 72.62 લાખ રૂપિયાનું એમડી, કેટામાઈન અને ચરસ જપ્ત કર્યું ત્યારે શેરાનું નામ ફરી સંડોવાયું હતું. પછી તો અકોલા, તેલંગણા અને મૈસૂરમાંથી પકડાયેલાં કારખાનાં શેરાને ઇશારે ધમધમતાં હતાં, એવું તપાસમાં જણાયું હતું.
છેલ્લા બે મહિનામાં વિદેશથી પ્રત્યર્પણ દ્વારા ભારત લાવવામાં આવેલો શેરા ચોથો આરોપી છે. આ પહેલાં ડ્રગ્સના કારોબારના મુખ્ય આરોપી સલીમ ડોલાના પુત્ર તાહિર સલીમ ડોલા, મુસ્તફા મોહમ્મદ કુબ્બાવાલા અને મોહમ્મદ સલીમ સોહેલ શેખને ભારત લાવવામાં આવ્યા હતા.
આ પણ વાંચો…સુરત પોલીસનું ‘ડ્રગ્સ વિરોધી’ મેગા ઓપરેશન: ₹૨૦ લાખથી વધુના મેફેડ્રોન ડ્રગ્સ સાથે ૩ શખ્સો ઝડપાયા!



