મહાવિકાસ આઘાડી રાજ્યની ભ્રષ્ટ સરકારને પરાજિત કરવા કટિબદ્ધ: વેણુગોપાલ

મુંબઇ: ઓલ ઈન્ડિયા કૉંગ્રેસ કમિટી (એઆઈસીસી)ના જનરલ સેક્રેટરી કે. સી. વેણુગોપાલે શુક્રવારે મુંબઈમાં કહ્યું હતું કે મહાવિકાસ આઘાડી મહારાષ્ટ્રની ભ્રષ્ટ સરકારને હરાવવા માટે કટિબદ્ધ છે. તેમણે કહ્યું હતું કે રાજ્યના લોકો સત્તાધારી ભાજપને આગામી વિધાનસભાની ચૂંટણીમાં પાઠ ભણાવશે.
તેમણે એમ પણ કહ્યું હતું કે વિપક્ષ એક સારો નેરેટિવ ચલાવશે અને પાર્ટીના બધા જ નેતાઓને એકસુરમાં વાત કરવા જણાવવામાં આવ્યું છે.
પાર્ટીની વિધાનસભાની તૈયારીઓની સમીક્ષા માટે આયોજિત બેઠકમાં હાજરી આપ્યા બાદ તેમણે કહ્યું હતું કે વિધાનસભાની ચૂંટણી આગામી ઓક્ટોબરમાં થવાની શક્યતા છે. મહારાષ્ટ્રના લોકો ભાજપને પાઠ ભણાવશે. અમે રાજ્યની ભ્રષ્ટ સરકારને હરાવવા માટે કટિબદ્ધ છે.
આ પણ વાંચો: કૉંગ્રેસે બનાવી પાંચ સ્ક્રિનિંગ કમિટીઃ ગુજરાતના જીજ્ઞેશ મેવાણીને મળ્યું સ્થાન
ચોરી અને અકુદરતી ગઠબંધન નથી એવી રાજ્યની ભ્રષ્ટ સરકારને હરાવવા કટિબદ્ધ છીએ. રાજ્યના કૉંગ્રેસના નેતાઓને સંગઠિત રહેવા અને એકસૂરમાં વાત કરવા જણાવવામાં આવ્યું છે. પાર્ટી બધા જ એમવીએના ઘટક પક્ષોના સંપર્કમાં છે. અમે બેરોજગારી અને ખેડૂતોના મુદ્દા પર ફોકસ કરી રહ્યા છીએ.
આજે ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરી હતી. લોકસભાની ચૂંટણી બાદ પેટાચૂંટણીઓમાં ભાજપ 13માંથી ફક્ત બે બેઠકો જીતી શકી છે. અયોધ્યામાં વિજય બાદ અમે બદ્રીનાથમાં પણ વિજયી થયા છીએ. આ સ્પષ્ટ સંદેશ છે.
આ પણ વાંચો: હવે કૉંગ્રેસએ બનાવી નવી કમિટીઃ પાંચ વરિષ્ઠ નેતાને સોંપી જવાબદારી
મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણી પહેલાં એક મોટા નેતા અમને છોડીને જતા રહ્યા હતા, પરંતુ નાંદેડમાં શું થયું? એમ તેમણે અશોક ચવ્હાણનું નામ લીધા વગર કહ્યું હતું.
કૉંગ્રેસ પોતાની ચૂંટણી ઝુંબેશ 20 ઑગસ્ટથી શરૂ કરશે એવી જાહેરાત પણ તેમણે કરી હતી. અહીં ઉલ્લેખનીય છે કે 20 ઑગસ્ટ સ્વ. રાજીવ ગાંધીની જન્મજયંતી છે.
અમે પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને નેતા રાહુલ ગાંધીને આને માટે આમંત્રણ આપ્યું છે. (પીટીઆઈ)