શોકિંગ: મહારાષ્ટ્રમાં ચાલતી બસમાં જન્મ આપી નવજાતને બારીમાંથી ફેંક્યું, દંપતી વિરુદ્ધ ગુનો

મુંબઈ/પરભણીઃ આપણે ઘણી વાર સાંભળ્યું હશે કે કોઈ મહિલાને બસ કે ટ્રેનમાં અચાનક પ્રસૂતિ પીડા ઉપડી અને ત્યાં જ બાળકને જન્મ આપ્યો હોય. બાદમાં માતા અને બાળકના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હોય. પરંતુ તાજેતરમાં મહારાષ્ટ્રના પરભણીમાં જે બન્યું તે ખૂબ જ આઘાતજનક અને ભયાનક હતું.
અહીં એક 19 વર્ષની મહિલાએ ચાલતી સ્લીપર કોચ બસમાં બાળકને જન્મ આપ્યો હતો, પરંતુ મહિલા અને તેના પતિ હોવાનો દાવો કરતા પુરુષે અચાનક નવજાત બાળકને બારીમાંથી બહાર ફેંકી દીધું, જેના કારણે બાળકનું મૃત્યુ થયું હતું. એક અધિકારીએ જણાવ્યું કે આ ઘટના સવારે 6.30 વાગ્યાની આસપાસ પાથરી-સેલુ રોડ પર બની હતી. એક જાગૃત નાગરિકે પોલીસને જાણ કરી કે બસમાંથી કપડામાં લપેટેલી કોઈ વસ્તુ ફેંકવામાં આવી છે.
પોલીસે જણાવ્યું હતું કે રિતિકા ઢેરે નામની એક મહિલા અલ્તાફ શેખ (જેણે તેનો પતિ હોવાનો દાવો કર્યો હતો) સાથે સંત પ્રયાગ ટ્રાવેલ્સની સ્લીપર કોચ બસમાં પુણેથી પરભણી જઈ રહી હતી. મુસાફરી દરમિયાન, ગર્ભવતી મહિલાને પ્રસૂતિ પીડા ઉપડી અને તેણે એક છોકરાને જન્મ આપ્યો. પરંતુ, દંપતીએ બાળકને કપડામાં લપેટીને બસમાંથી બહાર ફેંકી દીધું.
સ્લીપર બસના ડ્રાઇવરે બારીમાંથી કંઈક ફેંકતા જોયું હતું, જ્યારે તેણે આ વિશે પૂછપરછ કરી, ત્યારે શેખે કહ્યું કે બસની મુસાફરીને કારણે તેની પત્નીને ઉલટી થઈ રહી હતી તેથી ઉલટી ફેંકી. તેમણે કહ્યું, ‘આ દરમિયાન, જ્યારે રસ્તા પર એક જાગૃત નાગરિકે બસની બારીમાંથી કંઈક ફેંકેલું જોયું, ત્યારે તે જોઈને ચોંકી ગયો કે તે એક બાળક હતું. તેણે તાત્કાલિક પોલીસની 112 હેલ્પલાઇન પર ફોન કરીને જાણ કરી.’
ત્યાર બાદ પેટ્રોલિંગ કરતી સ્થાનિક પોલીસની એક ટીમે લક્ઝરી બસનો પીછો કર્યો હતો. અધિકારીએ જણાવ્યું કે વાહનની તપાસ અને પ્રાથમિક તપાસ કર્યા પછી, તેમણે મહિલા અને શેખને કસ્ટડીમાં લીધા હતા. દંપતીએ કહ્યું કે તેઓ બાળકનું લાલન પાલન કરવા સક્ષમ ન હોવાને કારણે નવજાત શિશુને ફેંકી દીધું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે બાળકને રસ્તા પર ફેંકવાથી તે મૃત્યુ પામ્યું.
પોલીસના જણાવ્યા અનુસાર ઢેરે અને શેખ બંને પરભણીના હતા અને છેલ્લા દોઢ વર્ષથી પુણેમાં રહેતા હતા. અધિકારીએ જણાવ્યું કે તેઓ પતિ-પત્ની હોવાનો દાવો કરે છે, પરંતુ તેઓ દાવો પુરવાર કરવા માટે કોઈ દસ્તાવેજો રજૂ કરી શક્યા નથી. તેમને કસ્ટડીમાં લીધા પછી, પોલીસ મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગઈ.
પરભણીના પાથરી પોલીસ સ્ટેશનમાં દંપતી વિરુદ્ધ બીએનએસ (જન્મ છુપાવી શબનો ગુપ્ત રીતે નિકાલ) અધિનિયમની કલમ 94 (3), (5) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે આરોપીને નોટિસ જારી કરવામાં આવી છે અને આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.