મહારાષ્ટ્રને મળશે વધુ એક વંદે ભારત ટ્રેનની ભેટ, ક્યારે મળશે?
મુંબઈ: ભારતીય રેલવેમાં લોકપ્રિય થયેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને હવે મહારાષ્ટ્રના મરાઠવાડાને કનેક્ટ કરવામાં આવશે. અત્યાર સુધીમાં મહારાષ્ટ્રમાં કુલ પાંચ વંદે ભારત ટ્રેનનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે 30 ડિસેમ્બરથી વધુ એક ટ્રેન સેવામાં સામેલ કરવામાં આવતા પ્રવાસીઓને ઝડપી ટ્રેનમાં મુસાફરી કરવાની તક મળશે.
મધ્ય રેલવેને વંદે ભારત ટ્રેનના રેક મળી ચૂકી છે, તેથી આ છઠ્ઠી ટ્રેન મુંબઈથી જાલના વચ્ચે દોડાવવામાં આવશે. જોકે, 30મી ડિસેમ્બર દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ ટ્રેનને લીલી ઝંડી આપશે.
અયોધ્યા-આનંદ વિહાર, નવી દિલ્હી-વૈષ્ણવ દેવી, અમૃતસર-નવી દિલ્હી, જાલના-મુંબઈ અને કોઇંબતુર-બેંગલોર આવી કુલ પાંચ વંદે ભારત ટ્રેનને વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લીલી ઝંડી આપવામાં આવશે તેમ જ પૂલ-પૂશ સિસ્ટમવાળી બે નવી અમૃત ભારત નામની ટ્રેન પણ પહેલી વાર દોડાવવામાં આવશે.
આ અગાઉ રાજ્યમાં પહેલી વંદે ભારત એક્સપ્રેસને મુંબઈ અને ગાંધીનગર વચ્ચે શરુ કરી હતી. આ ટ્રેનને સારો પ્રતિસાદ મળતાં તેને મુંબઈથી સોલાપુર, મુંબઈથી સાઈનગર શિર્ડી, ગોવા અને નાગપુરથી બિલાસપુર વચ્ચે પણ શરૂ કરવામાં આવી હતી.
વંદે ભારતની સાથે સાથે બે નવી અમૃત ભારત ટ્રેન શરુ કરવામાં આવશે. આ બે ટ્રેનને દિલ્હીથી દરભંગા અને માલદા-બેંગલોર વચ્ચે શરૂ કરવામાં આવવાની છે. જો આ ટ્રેનોને પણ સારો પ્રતિસાદ મળશે તો તેને બાકીના રાજ્યોમાં પણ દોડાવવામાં આવશે એવું અધિકારીએ જણાવ્યું હતું. આ ટ્રેનમાં એસી એક, બે અને ત્રણ કોચની પણ સુવિધા હશે. ઉપરાંત, આ ટ્રેન કલાકના 130 કિમીની ઝડપથી દોડાવાશે તેમ જ આ ટ્રેનની ટિકિટનો દર 10-15 ટકા વધુ હોવાની માહિતી સૂત્રોએ આપી હતી.