(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ સહિત સમગ્ર રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. સમગ્ર રાજ્યમાં સૌથી નીચું તાપમાન ધુળેમાં ચાર ડિગ્રી અને નાશિક પાસેના નિફાડમાં પાંચ ડિગ્રી નોંધાયું હતું. તો મુંબઈમાં તાપમાનનો પારો ૧૫.૨ ડિગ્રી જેટલો નોંધાયો હતો. હવામાન ખાતાના કહેવા મુજબ આગામી દિવસમાં ઠંડીનું જોર રહેશે.
ઉત્તર ભારતમાં હાલ કાતિલ ઠંડી પડી રહી છે અને ઉત્તર ભારત તરફથી ફૂંકાઈ રહેલા ઠંડા પવનોને કારણે મુંબઈ સહિત સમગ્ર રાજ્યમાં ભારે ઠંડી પડી રહી છે. મુંબઈમાં મંગળવારે ૧૪.૮ ડિગ્રી સાથે મોસમનો અત્યાર સુધીનું સૌથી ઠંડો દિવસ રહ્યા બાદ બુધવારે તાપમાનનો પારો થોડો ઊંચો ગયો હતો. દિવસ દરમિયાન સાંતાક્રુઝમાં લઘુતમ તાપમાન ૧૫.૨ ડિગ્રી નોંધાયું હતું. તો કોલાબામાં લઘુતમ તાપમાન ૧૮.૫ ડિગ્રી નોંધાયું હતું. દિવસ દરમિયાન મુંબઈમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા હતા.
હવામાન ખાતાના કહેવા મુજબ મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં આગામી બેથી ત્રણ દિવસ ઠંડીનું જોર રહેશે. ત્યારબાદ તાપમાનનો પારો થોડો ઊંચો જશે. જોકે ૨૬ જાન્યુઆરી બાદ ફરી ઠંડીનો માહોલ રહેશે.
આ દરમિયાન સમગ્ર રાજ્યમાં સૌથી વધુ ઠંડી ધૂળેમાં રહી હતી. દિવસ દરમિયાન ધૂળેમાં લઘુતમ તાપમાન ચાર ડિગ્રી, નિફાડમાં પાંચ, ઓઝરમાં ૬.૧ ડિગ્રી અને નાશિકમાં નવ ડિગ્રી, અહમદનગરમાં ૯.૧ ડિગ્રી, પુણેમાં ૯.૭ ડિગ્રી, જળગાંવમાં ૯.૯, માલેગાંવમાં ૧૦ ડિગ્રી, હિલ સ્ટેશન મહાબળેશ્ર્વરમાં ૧૧.૪ ડિગ્રી, જેરુરમાં ૧૧.૫ ડિગ્રી, કોલ્હાપૂરમાં ૧૪.૨ ડિગ્રી, ઔરંગાબાદમાં ૧૦.૪, પરભણીમાં ૧૨.૫ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તો સમગ્ર વિદર્ભના મોટાભાગના જિલ્લામાં લઘુતમ તાપમાનનો પારો ૧૦થી ૧૨ ડિગ્રીની આસપાસ નોંધાયો હતો.