આમચી મુંબઈ

મહારાષ્ટ્ર સરકારના 100 દિવસનો રિપોર્ટ કાર્ડ: મુખ્ય પ્રધાન અને બંને નાયબ મુખ્ય પ્રધાનોના જ ખાતા નાપાસ

બાર ખાતાને મળ્યા 100/100

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
રાજ્યમાં મહાયુતિ સરકારના 100 દિવસના કામનું રિપોર્ટ કાર્ડ જાહેર કરવામાં આવ્યું હતું અને આમાં અજિત પવાર જૂથના મિનિસ્ટર અદિતિ તટકરેનો મહિલા અને બાળ વિકાસ વિભાગ 80 ટકા ગુણ સાથે શ્રેષ્ઠ વિભાગ તરીકે ઉભરી આવ્યો છે.

જાહેર બાંધકામ વિભાગ બીજા સ્થાને છે અને કૃષિ વિભાગ ત્રીજા સ્થાને છે. બીજી તરફ 48માંથી ત્રણ વિભાગ પાસિંગ માર્ક મેળવવામાં પણ નિષ્ફળ ગયા છે. સામાન્ય વહીવટ ખાતું, અન્ન અને નાગરી પુરવઠા અને ગ્રાહક સુરક્ષા ખાતું અને નગર વિકાસ વિભાગોની 100 દિવસની કામગીરી નબળી હોવાનું બહાર આવ્યું છે.

આપણ વાંચો: અમિત શાહે મંત્રી પદ માટે ઇચ્છુક ધારાસભ્યોના રિપોર્ટ કાર્ડ દિલ્હી મંગાવ્યા

ક્યા ત્રણ વિભાગ નાપાસ?
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળના સામાન્ય વહીવટ વિભાગ, નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળનો નગર વિકાસ વિભાગ અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના નેતૃત્વ હેઠળનો અન્ન અને નાગરી પુરવઠા વિભાગે સૌથી ખરાબ પ્રદર્શન કર્યું છે. આ ત્રણેય વિભાગોએ 35 ટકાથી ઓછો સ્કોર મેળવ્યો છે. સામાન્ય વહીવટ વિભાગને સૌથી ઓછા માત્ર 24 ટકા, નગર વિકાસ વિભાગને 34 ટકા અને અન્ન, નાગરી પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગને માત્ર 33 ટકા ગુણ મળ્યા છે.

100 દિવસના સરકારી કામમાં બાર વિભાગોને 100 ટકા માર્ક
સરકારના પહેલા 100 દિવસના કાર્યકાળમાં બાર વિભાગોએ 100 ટકા પરિણામ મેળવ્યું છે. 12 વિભાગોએ વિવિધ મુદ્દાઓ પર 100 ટકા કામ કર્યું હતું. જળ સંસાધન, ગૃહ, ગ્રામીણ વિકાસ, પશુપાલન અને બંદરો વિભાગને 100 ટકા માર્ક મળ્યા છે.

ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ, શ્રમ અને વસ્ત્રોદ્યોગ વિભાગોને પણ 100 ટકા ગુણ મળ્યા છે. સાંસ્કૃતિક બાબતો, ખાણકામ, ડેરી અને વનીકરણ ક્ષેત્રો પણ ટોચના પ્રદર્શનકર્તામાં સામેલ છે.

આપણ વાંચો: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રજૂ કર્યું મોદી સરકારના 100 દિવસનું રિપોર્ટ કાર્ડ, જાણો શું કહ્યું…

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, ‘આ ઝુંબેશ ફક્ત મેનેજમેન્ટ વિશે નથી, પરંતુ જાહેર હિત માટે જવાબદારી, પારદર્શિતા અને કાર્યક્ષમ વહીવટ વિશે પણ છે. આ ઉત્તમ અધિકારીઓએ અન્ય લોકો માટે એક ઉદાહરણ પૂરું પાડ્યું છે.’
તમામ 48 સરકારી વિભાગોએ મહત્વપૂર્ણ નવી નીતિઓ, દૂરગામી નિર્ણયો અને લોકોલક્ષી પહેલનું આયોજન કરવા માટે 100 દિવસના વ્યૂહાત્મક કાર્યસૂચિ પર કામ શરૂ કર્યું છે.

છેલ્લા 100 દિવસમાં આ તમામ વિભાગો દ્વારા નિર્ધારિત 902 વ્યૂહાત્મક ઉદ્દેશોમાંથી, 706 ઉદ્દેશો (78 ટકા) સંપૂર્ણ પ્રાપ્ત થયા છે, જ્યારે બાકીના 196 લક્ષ્યો પૂર્ણ ન થાય ત્યાં સુધી સંબંધિત વિભાગો તેમનું કાર્ય ચાલુ રાખશે.

કુલ 48 વિભાગોમાંથી, બાર વિભાગોએ તેમના લક્ષ્યાંકોના 100 ટકા પ્રાપ્ત કર્યા છે, જ્યારે 18 વિભાગોએ તેમના લક્ષ્યાંકોના 80 ટકાથી વધુ મેળવ્યા છે.

આપણ વાંચો: ઉમેદવારોને ચૂંટણી પ્રચાર માટે ભાજપ આપશે ‘રિપોર્ટ કાર્ડ’, જાણો શું છે આ પ્લાનિંગ

આ મૂલ્યાંકનમાં નોંધપાત્ર કામગીરી કરનાર કચેરીઓ અને અધિકારીઓની યાદી નીચે મુજબ છે, જેની ટકાવારી કૌંસમાં આપવામાં આવી છે.

શ્રેષ્ઠ જિલ્લા પરિષદના મુખ્ય કાર્યકારી અધિકારી
થાણે (92.00), નાગપુર (75.83), નાશિક (74.73), પુણે (74.67), વાશિમ (72.00)
શ્રેષ્ઠ મ્યુનિસિપલ કમિશનર
ઉલ્હાસનગર (65.21), પિંપરી-ચિંચવડ (65.13), પનવેલ (64.73), નવી મુંબઈ (64.57)
શ્રેષ્ઠ પોલીસ કમિશનર
મીરા ભાયંદર (68.49), થાણે (65.49), મુંબઈ રેલવે (63.45)
શ્રેષ્ઠ વિભાગીય કમિશનર
કોંકણ (75.43), નાસિક (62.21), નાગપુર (62.19)
શ્રેષ્ઠ પોલીસ વિસ્તાર મહાનિરીક્ષક/નાયબ મહાનિરીક્ષક
કોંકણ (78.68), નાંદેડ (69.87)

શ્રેષ્ઠ મિનિસ્ટ્રી
મહિલા અને બાળ વિકાસ (80.00), જાહેર બાંધકામ વિભાગ (77.94), કૃષિ (66.54), ગ્રામીણ વિકાસ (63.58), પરિવહન અને બંદરો (62.26)
શ્રેષ્ઠ કમિશનર / ડિરેક્ટર
નિયામક, ટેકનિકલ શિક્ષણ (77.13), કમિશનર, જમાબંધી (72.66), આદિજાતિ વિકાસ (72.49), રાજ્ય ગ્રામીણ આજીવિકા સુધારણા મિશન (70.28), તબીબી શિક્ષણ (68.53)
શ્રેષ્ઠ જિલ્લા કલેક્ટર
ચંદ્રપુર (68.29), કોલ્હાપુર (62.45), જળગાંવ (60.65), અકોલા (60.58), નાંદેડ (56.66)
શ્રેષ્ઠ પોલીસ અધિક્ષક
પાલઘર (70.21), જળગાંવ (60.00), નાગપુર-ગ્રામીણ (60.00), ગોંદિયા (56.49), સોલાપુર-ગ્રામીણ (56.00)
આ યાદીમાં, ચંદ્રપુર, થાણે, પુણે, ઉલ્હાસનગર, મીરા ભાયંદર, પાલઘર, ગોંદિયા, નાંદેડ, કોલ્હાપુર અને અકોલા જેવા જિલ્લાઓમાં આવેલી ઓફિસોએ નોંધપાત્ર પોઈન્ટ મેળવીને અન્ય લોકો માટે સારું ઉદાહરણ સ્થાપિત કર્યું છે, એમ જણાવતાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તમામ વિજેતા અધિકારીઓને અભિનંદન પાઠવ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button