‘એક છત નીચે’ શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે: ચૂંટણી અધિકારીની મુલાકાતમાં વિપક્ષ એક, શાસક પક્ષ ગેરહાજર!

મુંબઈ: તમામ પક્ષના નેતાઓ આજે ચૂંટણી અધિકારીને મળ્યા હતા. આ મુલાકાત માટે અનેક પક્ષોના નેતાઓ એકઠા થયા હતા. મહાવિકાસ આઘાડી (એમવીએ)ની સાથે મનસે (મહારાષ્ટ્ર નવનિર્માણ સેના) અને અન્ય પક્ષો પણ સાથે હતા, પરંતુ પત્ર આપવા છતાં સત્તાધારી પક્ષના કોઈ નેતા કે પક્ષ આ મુલાકાતમાં આવ્યા નહોતા, જેને લઈ રાજકારણ ગરમાયું હતું.
આ પ્રતિનિધિમંડળમાં એનસીપી પ્રમુખ શરદ પવાર, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, મનસે પ્રમુખ રાજ ઠાકરે અને અન્ય નેતાઓનો સમાવેશ થાય છે. મહા વિકાસ આઘાડીના નેતાઓ સાથે રાજ ઠાકરેની હાજરી રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સર્વપક્ષીય પ્રતિનિધિમંડળમાં ભાગીદારીને લઈને કોંગ્રેસમાં મતભેદો ઊભા થયા છે. કેટલાક નેતાઓએ બેઠકમાં નારાજગી વ્યક્ત કરી હતી અને મનસે સાથે જવાનો વિરોધ કર્યો હતો.
આ પણ વાંચો : રાજકારણીઓ ચૂંટણી જીતવા લોન માફીના વચનો આપે છે, લોકો ભોળવાઈ જાય છે: મહારાષ્ટ્રના પ્રધાનનું વિવાદાસ્પદ નિવેદન
શિવસેના (યુબીટી)ના સાંસદ સંજય રાઉતે પણ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને સર્વપક્ષીય પ્રતિનિધિમંડળમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું. તેમણે સ્પષ્ટતા કરી હતી કે આ મુલાકાતનો મુખ્ય હેતુ લોકશાહીને મજબૂત બનાવવાનો અને ચૂંટણી પ્રક્રિયામાં જનતાનો વિશ્વાસ મજબૂત કરવાનો છે. આ મુલાકાત પાછળ કોઈ રાજકીય હેતુ નથી, અને જો આપણે ભાગ લઈશું, તો સર્વપક્ષીય પ્રતિનિધિમંડળની પ્રતિષ્ઠા વધુ વધશે, એમ રાઉતે ફડણવીસને મોકલેલા પત્રમાં જણાવ્યું હતું.
પત્રિકા આપવા છતાં શાસક પક્ષનો કોઈ નેતા કે પક્ષ આ બેઠકમાં આવ્યા નહીં. સંદીપ દેશપાંડેએ આ અંગે એક સોશિયલ મીડિયા પોસ્ટ કરી હતી કે, પારદર્શક રીતે ચૂંટણી કરાવવાની જવાબદારી ચૂંટણી પંચ, વિરોધ પક્ષો તેમ જ શાસક પક્ષોની છે. આ પોસ્ટ કરીને તેમણે શાસક પક્ષ પર કટાક્ષ કર્યો હતો. ‘અમે શાસક પક્ષને આમંત્રણ આપ્યું છે. જો તેઓ આવી રહ્યા નથી, તો તેઓ ચૂંટણીઓ પારદર્શક રીતે યોજાય તેવું ઇચ્છતા નથી’, દેશપાંડેએ વધુમાં જણાવ્યું હતું.
આ પણ વાંચો : મહારાષ્ટ્રના પ્રધાને મરાઠી લોકો વિરુદ્ધ ટિપ્પણી કરવા બદલ ભાજપના સાંસદની ટીકા કરી
ભાજપના પ્રવક્તા નવનાથ બાને આ પ્રતિનિધિમંડળની મુલાકાત પર પ્રહાર કર્યા હતા, કેટલાક પ્રશ્નોના જવાબો માટે અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, મહાવિકાસ આઘાડીનું પ્રતિનિધિમંડળે પહેલાં, આ પાંચ પ્રશ્નોના જવાબ આપવા જોઈએ.
૧. જ્યારે લોકસભા ચૂંટણીમાં ભાજપને મહારાષ્ટ્રમાં ઓછી બેઠકો મળી, ત્યારે ભાજપે લોકોના નિર્ણયનો સ્વીકાર કર્યો, પરંતુ વિધાનસભા ચૂંટણીમાં મહા વિકાસ આઘાડીની હાર પછી, તેને અચાનક “મત ચોરી” કેમ યાદ આવી?
- જો મહાવિકાસ આઘાડી જીતે છે, તો ઇવીએમ સાચુ, જો ભાજપ જીતે છે, તો ઇવીએમ પર શંકા છે, શું આ દંભ લોકશાહી માટે યોગ્ય છે?
૩. જો ચૂંટણી પ્રક્રિયા અંગે આટલી બધી શંકાઓ છે, તો શું મહારાષ્ટ્રમાં મહા વિકાસ આઘાડીના સાંસદો અને ધારાસભ્યો તાત્કાલિક રાજીનામું આપવાના છે?
૪. લોકશાહીના નામે ગળું કાપી રહેલી મહાવિકાસ આઘાડી શું લોકોનો વિશ્વાસ પાછો મેળવવા માટે કંઈ કરશે કે પછી તે ફક્ત કોઈ યુક્તિ રમશે?
૫. મહા વિકાસ આઘાડી લોકોના નિર્ણય પર શંકા કરીને મહારાષ્ટ્રના મતદારોનું અપમાન કેમ કરે છે?
શું મહાવિકાસ આઘાડીના નેતાઓ પાસે આ પ્રશ્નોના જવાબો છે? જો નહીં, તો તે સાબિત થશે કે તે “મત ચોરી” નથી પણ તમારો “મત” ચોરાઈ ગયો છે!