અપશબ્દો કહેનારા અંબાદાસ દાનવેને રાહત
પાંચને બદલે સસ્પેન્શન ઘટાડી ત્રણ દિવસ કરાયું
મુંબઈઃ વિધાન પરિષદમાં ચર્ચા દરમિયાન ભાજપના વિધાન પરિષદના સભ્ય પ્રસાદ લાડને ઉગ્ર બોલાચાલી વખતે અપશબ્દો કહેવા બદલ પાંચ દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવેલા ઉદ્ધવ ઠાકરે જૂથના વિધાન પરિષદના સભ્ય અંબાદાસ દાનવેને રાહત આપવામાં આવી છે. પ્રસાદ લાડની ફરિયાદ બાદ વિધાન પરિષદના ડેપ્યુટી ચેરમેન નિલમ ગોર્હેએ દાનવેને પાંચ દિવસ માટે ગૃહમાંથી સસ્પેન્ડ કર્યા હતા. જોકે દાનવેએ પોતાની વર્તણૂંક બદલ માફી માગ્યા બાદ સર્વસંમતિએ તેમના સસ્પેન્શનની મુદત ઘટાડવામાં આવી હતી અને પાંચને બદલે ત્રણ દિવસની કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે પ્રસાદ લાડે અંબાદાસ દાનવે પર તેમની માતા અને બહેનને ઉદ્દેશીને અપશબ્દો કહેવામાં આવ્યા હોવાની ફરિયાદ ગોર્હેને કરવામાં આવી હતી. દાનવેએ કરેલા કૃત્ય બદલ તેમના પક્ષના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પણ માફી માગી હતી. બુધવારે દાનવેએ પણ માફી માગવાની તૈયારી બતાવી હતી. દાનવેએ પોતાની હરકત બદલ માફી માગતા સર્વસંમતિએ તેમના સસ્પેન્શનની મુદત ઘટાડવામાં આવી હતી.
આ પણ વાંચો: વિધાન પરિષદની ચૂંટણીના પરિણામ જાહેર: મુંબઈ અને કોંકણમાં કોણ જીત્યું?
જોકે આ ઘટનામાં ઉદ્ધવ ઠાકરેએ એકતરફી કાર્યવાહી કરવામાં આવી હોવાનું પણ કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે દાનવેએ કહ્યું તેનાથી જો મહિલાઓની લાગણી દુભાઇ હોય તો હું તેમની માફી માગું છું, પરંતુ તેમના વિરુદ્ધ એકતરફી કાર્યવાહી કરવી એ પૂર્વનિયોજીત કાવતરું હતું.
જોકે, ગુરુવારે દાનવેએ તે માફી માગવા તૈયાર હોવાનું જણાવી ગોર્હેને પત્ર લખ્યો હતો અને પોતાના નિવેદન બદલ માફી માગી હતી. ત્યાર બાદ ગૃહમાં દાનવેની માફીને લઇને એક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. જેમાં તેમનું સસ્પેન્શન ઘટાડીને પાંચને બદલે ત્રણ દિવસનું કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ હિંદુઓનું અપમાન કરતું વિવાદાસ્પદ નિવેદન સંસદમાં આપ્યું એ મુદ્દે ગૃહમાં ચર્ચા ચાલી રહી હતી એ દરમિયાન લાડ અને દાનવે વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી અને એ દરમિયાન દાનવેએ અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા લાડને અપશબ્દો કહ્યા હતા.