મહારાષ્ટ્ર સરકારે મહિલા ઉત્પીડનની ફરિયાદો ઓનલાઈન નોંધાવવાની છૂટ આપવાનો નિર્ણય લીધો: અજિત પવાર
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર કેબિનેટે મહિલા ઉત્પીડનના કેસોની ઓનલાઈન નોંધણી અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલી સૂચના પર ચર્ચા કરીને આવી ઘટનાઓને રોકવા માટે અલગ અભિગમ અપનાવવાનો નિર્ણય કર્યો છે, એમ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે સોમવારે પુણેમાં જણાવ્યું હતું.
રવિવારે જળગાંવમાં મહિલા સશક્તિકરણ માટે આયોજિત એક કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલાઓ સામેના અપરાધોને અક્ષમ્ય પાપ ગણાવ્યા બાદ જણાવ્યું હતું કે મહિલાઓની સુરક્ષા દરેક રાજ્ય સરકારોની પ્રાથમિકતા હોવી જોઈએ.
કોલકાતાની હૉસ્પિટલમાં 31 વર્ષની તાલીમાર્થી ડોક્ટર પર ક્રૂર બળાત્કાર અને હત્યા અને મુંબઈ નજીક બદલાપુરમાં ચાર વર્ષની બે બાળકીઓના જાતીય શોષણ સામે લોકોમાં વધી રહેલા આક્રોશ વચ્ચે વડા પ્રધાનની આકરી ટિપ્પણી આવી હતી.
આ પણ વાંચો: ‘મહિલાઓને ન્યાય અપાવવા માટે લડવું એ કોંગ્રેસની નૈતિક ફરજ છે’ રાહુલ ગાંધીએ સિદ્ધારમૈયાને પત્ર લખ્યો
મોદીએ એ બાબત પ્રત્યે ધ્યાન દોર્યું હતું કે ભારતીય ન્યાય સંહિતામાં મહિલાઓ અને બાળકો પર આચરવામાં આવતા ગુનાઓને સમર્પિત એક આખું પ્રકરણ છે. તેમણે એમ પણ કહ્યું હતું કે જો કોઈ મહિલા પોલીસ સ્ટેશન જવા ન માગતી હોય તો તે ઈ-એફઆઈઆર નોંધાવી શકે છે અને પોલીસ સ્ટેશન સ્તરે તેમાં કોઈ ફેરફાર કરી શકે નહીં.
અજિત પવારે કહ્યું હતું કે, ‘પીએમ મોદીએ આવી ઘટનાઓ અંગે ઓનલાઈન ફરિયાદો દાખલ કરવાની સૂચના આપી છે, અને અમે તેનો તાત્કાલિક અમલ કરવાનો નિર્ણય લીધો છે. આવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. અમે આવી ઘટનાઓને રોકવા માટે અલગ અભિગમ અપનાવવાનું નક્કી કર્યું છે. ગુનાઓ અને આ મુદ્દા પર રવિવારની કેબિનેટની બેઠકમાં ચર્ચા થઈ હતી.’ નાયબ મુખ્ય પ્રધાને આવા અપરાધોના ગુનેગારો સામે ‘સૌથી વધુ કડક’ કાર્યવાહી કરવાની હાકલ કરી હતી.
તેમણે એમ પણ કહ્યું હતું કે, આ કેસોમાં ગુનેગારોને ફાંસીની સજા મળવી જોઈએ અને ટ્રાયલ ફાસ્ટ-ટ્રેક કોર્ટમાં થવી જોઈએ.
મહાયુતિના ઘટક પક્ષો (ભાજપ, શિવસેના અને એનસીપી) વચ્ચે મુખ્ય પ્રધાન પદ અંગેની વાટાઘાટો વિશે પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે આગામી રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓમાં સત્તામાં પુનરાગમન બાદ આ બધા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.