આમચી મુંબઈમહારાષ્ટ્ર

સિંધુદુર્ગ મુદ્દે સરકાર જાગીઃ રાષ્ટ્રીય ‘મહાનાયકો’ની પ્રતિમાની ઊંચાઈના નિયમોમાં ફેરફાર…

મુંબઈઃ સિંધુદુર્ગના માલવણમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડવાની ઘટનાની નોંધ લઈને નિષ્ણાત સમિતિએ આગામી સાંસ્કૃતિક નીતિ નિયમોમાં રાષ્ટ્રીય મહાનાયકોની પ્રતિમાઓની ઊંચાઈ કેટલી રાખવી જોઈએ એ અંગેના નિયમોમાં ફેરફાર કરવાની સાથે શિલ્પોની કલાત્મકતા પણ જાળવી રાખવા સંદર્ભે મહત્ત્વની ભલામણ કરી છે.

આ પણ વાંચો : સ્ટીલથી બનાવી હોત તો ના પડી હોત Chhatrapati Shivaji ની પ્રતિમા : નીતિન ગડકરી

રાજ્યની સાંસ્કૃતિક નીતિ આગામી 15 દિવસમાં જાહેર કરવામાં આવશે અને એ માટે નિમાયેલી સમિતિએ તેનો અહેવાલ રાજ્ય સરકારને સુપરત કર્યો છે. મહારાષ્ટ્રની સાંસ્કૃતિક નીતિની જાહેરાત 2010ની સાલ પછી પહેલીવાર કરવામાં આવશે.
કાર્યકારી પ્રમુખ વિનય સહસ્રબુદ્ધેની અધ્યક્ષતા હેઠળની સાંસ્કૃતિક ધોરણ સમિતિએ સ્મારકો માટે કરેલી ભલામણમાં મૂર્તિઓ માટેના માપદંડ પર પ્રકાશ ફેંક્યો છે. સરકારે પરિસરને ધ્યાનમાં રાખી પ્રતિમાની ઊંચાઈ અંગે કેટલાક નિયમો બનાવવાની જરૂર છે તેમ જ પ્રતિમાની કલાત્મકતા માટે માપદંડ નક્કી કરવા જોઈએ એવો નિર્દેશ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત, શિલ્પના પરીક્ષણ માટે કેવળ સરકારી કલા શિક્ષણ સંસ્થાઓના જાણકાર શિક્ષકોની નિમણૂક જ ન કરવી જોઈએ, પરંતુ સાથે સાથે એકાદ નિષ્ણાતની નિમણૂક પણ કરવી જોઈએ એવી રજૂઆત પણ કરવામાં આવી છે. પ્રતિમાને હાર પહેરાવવા માટે કેટલીક જગ્યાએ લોખંડની સીડીઓ ઊભી કરવામાં આવી હોવાથી સૌંદર્યને બાધા પહોંચે છે એમ પણ સમિતિએ જણાવ્યું છે. સાંસ્કૃતિક નીતિ નક્કી કરવા માટે દસ પેટા સમિતિની નિમણૂક કરવામાં આવી હતી જેમાં કારીગરી, ભાષા, સાહિત્ય અને લખાણ તેમજ વાંચન પરંપરા, દ્રશ્ય કલા, કિલ્લાઓ અને પુરાતત્ત્વવિદ્યા, લોકકલા, સંગીત, રંગભૂમિ, નૃત્ય, ફિલ્મ અને ભક્તિ સંસ્કૃતિનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની કોંગ્રેસની માગણી

રાજ્યના સાંસ્કૃતિક ખાતાના પ્રધાન સુધીર મુનગંટીવારે જણાવ્યું હતું કે મૂર્તિઓ અંગેનો અહેવાલ જાહેર બાંધકામ વિભાગ અને સામાન્ય વહીવટ વિભાગને મોકલવામાં આવ્યો છે અને તે મુજબ ભલામણો પર વિચાર કરી અંતિમ નીતિ ઘડવામાં આવશે. ધારાધોરણ જાહેર થયા બાદ 10-10 વર્ષ સુધી એનો અમલ નથી થતો. સાંસ્કૃતિક નીતિનો કડક અમલ કરવામાં આવશે. આ હેતુ માટે એક અલગ સમિતિની રચના કરવામાં આવશે.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button