આમચી મુંબઈમહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં પર્યાવરણની દ્રષ્ટિએ ‘સંવેદનશીલ’ વિસ્તારોની જાહેરાત, વિકાસ કાર્યો ખોરંભે ચડશે?

મુંબઈઃ કેન્દ્ર સરકારે તાજેતરમાં પશ્ચિમ ઘાટને પર્યાવરણની દૃષ્ટિએ સંવેદનશીલ જાહેર કરવા માટે પાંચમો ડ્રાફ્ટ જાહેર કર્યો છે. તેના મુજબ ૧૭,340 ચોરસ કિમીના વિસ્તારને સંવેદનશીલ જાહેર કરવાની દરખાસ્ત છે. આ અગાઉ ૨૦૨૨માં જાહેર કરાયેલા ડ્રાફ્ટ મુજબ રાજ્યના ૨,૧૩૩ ગામોને સંવેદનશીલ વિસ્તારો તરીકે સામેલ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, તેમાંથી ૩૮૮ ગામોને બાકાત રાખવાની માંગણી કરવામાં આવી હતી.

રાજ્ય વિધાનસભાના સત્રમાં પણ આ મુદ્દે ચર્ચા થઈ હતી. વન મંત્રી સુધીર મુનગંટીવારે જાહેરાત કરી હતી કે જ્યાં વિકાસ પ્રોજેક્ટ્સ, ઔદ્યોગિક પ્રોજેક્ટ્સ, ખાણો પ્રસ્તાવિત છે તેવા ગામોને બાકાત રાખવા અંગે કેન્દ્રને દરખાસ્ત મોકલવામાં આવશે.

ગયા વર્ષે જાન્યુઆરીમાં લગભગ ૫૮૨ ગામોને બાકાત રાખવા માટે કેન્દ્રને વિનંતી કરવામાં આવી હતી. જોકે, નવા જાહેર કરાયેલા આ ડ્રાફ્ટમાં ગામડાઓને બાકાત રાખવાને બદલે રાજ્યમાં સંવેદનશીલ જાહેર કરાયેલા ગામોની સંખ્યામાં વધારો થયો હોવાનું જણાય છે.

આ પણ વાંચો: અંધેરીમાં યારી રોડથી લોખંડવાલા પાંચ મિનિટમાં, નવા પુલને પર્યાવરણ મંત્રાલયની મંજૂરી

કેન્દ્ર સરકાર દ્વારા પર્યાવરણની દૃષ્ટિએ સંવેદનશીલ જાહેર કરાયેલા વિસ્તારમાં રાજ્યના ૨૫૧૫ ગામોનો સમાવેશ થાય છે. જો આ અંગે નવું જારી કરાયેલ જાહેરનામું લાગુ કરવામાં આવે તો, ખાસ કરીને રાયગઢ, રત્નાગિરી, સિંધુદુર્ગ, સતારા, કોલ્હાપુર અને પુણે જિલ્લાઓમાં ઘણા સૂચિત પ્રોજેક્ટ્સ અને ઉદ્યોગોને અસર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

કેરળના વાયનાડ જિલ્લામાં તાજેતરના ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનના કારણે ૨૦૦થી વધુ લોકોના મોત થયા છે અને ઘણા લોકો ગુમ છે. આ ઘટના બાદ પર્યાવરણની દૃષ્ટિએ સંવેદનશીલ પશ્ચિમ ઘાટ અને આ વિસ્તારમાં વિકાસ કાર્યોનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો હતો.

આ સંદર્ભમાં વરિષ્ઠ પર્યાવરણવાદી માધવ ગાડગીલ દ્વારા ૨૦૧૧માં કેન્દ્ર સરકારને સોંપવામાં આવેલા અહેવાલ તરફ ધ્યાન દોરવામાં આવી રહ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button