મતદાનની શાહી ભૂંસવાનો પ્રયાસ કરશો તો જશો જેલ: રાજ્ય ચૂંટણી પંચની કડક ચેતવણી…

મુંબઈઃ મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં પાલિકાની ચૂંટણીનું મતદાન લગભગ થોડા સમયમાં પૂરું થશે, પરંતુ આ વખતે ઈન્કનો મુદ્દો વધુ ચર્ચામાં આવ્યો છે. મતદાન પછી આંગળી પર લગાવેલી શાહી ભૂંસી નાખવાનો પ્રયાસ કરવામાં આવે છે એના અંગે નેતાઓ પણ આમનેસામને આવી ગયા છે, ત્યારે આ મુદ્દે રાજ્યના ચૂંટણી પંચે મોટી સ્પષ્ટતા કરી છે. ઈન્ક ભૂંસવાનો પ્રયાસ કરીને મતદારોમાં મૂંઝવણ ઊભી કરવાનો પ્રયાસ કરવો એ એક ગુનો છે. તે જ રીતે, રાજ્ય ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે કે જો કોઈ વ્યક્તિ આંગળી પરથી શાહી લૂછીને ફરીથી મતદાન કરવા આવે છે, તો તેમની સામે યોગ્ય કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
જો કોઈ વ્યક્તિ આંગળી પરની શાહી લૂછીને ગુનો કરવાનો પ્રયાસ કરે તો પણ, સંબંધિત મતદાર ફરીથી મતદાન કરી શકશે નહીં તેની ખાતરી કરવા માટે પહેલાથી જ સાવચેતી રાખવામાં આવી છે. મતદાતા મત આપે તેની નોંધ કરવામાં આવે છે. તેથી, જે મતદાતાએ ફક્ત શાહી લૂછીને ગુનો કરવાનો પ્રયત્ન કરે તે ફરીથી મતદાન કરી શકશે નહીં. આ સંદર્ભે સતર્ક રહેવા માટે ફરી એકવાર સંબંધિત તમામ લોકોને સૂચનાઓ આપવામાં આવી છે.
આ પણ વાંચો…એસીટોનથી ભૂંસાઈ રહી છે શાહી? મનસેના આરોપ અંગે બીએમસી કમિશનરે શું કહ્યું, જાણો?
રાજ્ય ચૂંટણી પંચે 19 નવેમ્બર 2011 અને 28 નવેમ્બર 2011 ના રોજ મતદારની આંગળી પર શાહી લગાવવા માટે માર્કર પેનના ઉપયોગ અંગે આદેશો જારી કર્યા છે. ત્યારથી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મતદારોની આંગળી પર નિશાન કરવા માર્કર પેનનો ઉપયોગ કરવામાં આવે છે.
આ આદેશ મુજબ, શાહી માર્કર પેનથી એવી રીતે લગાવવી જોઈએ કે તે મતદારની આંગળી પર સ્પષ્ટ દેખાય; અને શાહીને નખ અને નખની ઉપરની ત્વચા પર ત્રણથી ચાર વખત ઘસવી જોઈએ, આવી સૂચનાઓ અગાઉ આપવામાં આવી છે અને માર્કર પેન પર પણ ઉલ્લેખિત છે. તેથી, રાજ્ય ચૂંટણી પંચે મતદારોને શાહી ભૂંસી નાખવાનો પ્રયાસ કરવાનો ગુનો ન કરવા અપીલ કરી છે.



