મહારાષ્ટ્રમાં 5500 સહાયક પ્રોફેસરની ભરતી કરવામાં આવશેઃ સરકારની જાહેરાત
માર્ચ 2026 સુધીમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે, 2900 બિન-શૈક્ષણિક પદોને પણ મંજૂરી

મુંબઈઃ મહારાષ્ટ્રના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ચંદ્રકાંત પાટીલે સહાયક પ્રોફેસરોની ભરતી અંગે મોટી જાહેરાત કરી છે. નાંદેડમાં સ્વામી રામાનંદ તીર્થ મરાઠવાડા યુનિવર્સિટીના 28મા દીક્ષાંત સમારોહમાં જાહેરાત કરવામાં આવી હતી કે રાજ્યની સિનિયર કોલેજોમાં 5,500 સહાયક પ્રોફેસરની ભરતી માર્ચ 2026 પહેલા પૂર્ણ કરવામાં આવશે.
આ ભરતીની સાથે સરકારે 2,900 બિન-શિક્ષણ પદોને પણ મંજૂરી આપી છે અને નાણાં અને આયોજન વિભાગે તેની સંમતિ આપી દીધી છે, એમ તેમણે જણાવ્યું હતું.
આપણ વાંચો: ‘ગુરુર બ્રહ્મા, ગુરુર વિષ્ણુ…’ ગાવું મતલબ વગરનું છે! સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને આવું કેમ કહ્યું?
પાટીલે જણાવ્યું હતું કે આ અંગેનો સરકારી ઠરાવ (GR) ટૂંક સમયમાં જારી કરવામાં આવશે. તેમણે એ પણ સ્પષ્ટતા કરી કે અગાઉ યુનિવર્સિટીઓમાં 700 સહાયક પ્રોફેસરોની ભરતી કરવાનો આદેશ હતો, પરંતુ તત્કાલીન રાજ્યપાલ સી પી રાધાકૃષ્ણન દ્વારા અલગ પ્રક્રિયા સૂચવવામાં આવતા તે પૂર્ણ થઈ શક્યું નહોતું. આ મુદ્દો હવે નવ નિયુક્ત રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સમક્ષ ઉઠાવવામાં આવશે.
મહારાષ્ટ્રની શિક્ષણ સંસ્થાઓમાં વિદેશી વિદ્યાર્થીઓને આકર્ષવા મુદ્દે પણ તેમણે જણાવ્યું હતું કે, વિદેશી વિદ્યાર્થીઓને આકર્ષવા માટે યુનિવર્સિટીઓને મજબૂત બનાવવાની જરૂર છે. આ વર્ષે 65 દેશોના 4,000 વિદ્યાર્થીઓએ એક એજન્સી દ્વારા નોંધણી કરાવી, પરંતુ તેમણે સૌથી વધુ પુણે અને મુંબઈ પસંદ કર્યા.
આ પ્રસંગે તેમણે વિદ્યાર્થીઓને ફક્ત કારકિર્દી પર જ નહીં, પરંતુ સામાજિક જવાબદારી અને મૂલ્યો સાથે ઉદ્યોગસાહસિકતા અને નવીનતા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપી હતી. મહારાષ્ટ્ર સરકારે સ્ટાર્ટઅપ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયા જેવી પહેલો દ્વારા યુવાનો માટે તકોના દરવાજા ખોલ્યા છે, એવું તેમણે અંતે ઉમેર્યું હતું.