સરકારના બજેટને વિપક્ષે ચૂંટણીલક્ષી ગણાવી ટીકા કરી
ચાદરી લગી ફટને,ખૈરાત લગી બટનેઃ ઉદ્ધવ ઠાકરે

મુંબઇઃ એકનાથ શિંદેની સરકાર દ્વારા વિધાનસભાની ચૂંટણી યોજાય એ પહેલા બજેટ રજૂ કરવામાં આવ્યું તેના પર વિરોધપક્ષ શિવસેના(ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) જૂથના વડા ઉદ્ધવ ઠાકરેએ નારાજગી વ્યક્ત કરતા ચાદર લગી ફટને ખૈરાત લગી બટને જેવા શબ્દોનો ઉપયોગ કરીને કટાક્ષ કર્યો હતો.
નાયબ મુખ્ય પ્રધાન તેમ જ રાજ્યના નાણા પ્રધાન અજિત પવાર દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટની ટીકા કરતા ઉદ્ધવે કહ્યું હતું કે આ બજેટને જો આપણે એક વાક્યમાં વર્ણવીએ તો ચાદર લગી ફટને ખૈરાત લગી બટને એમ કહી શકાય.
આ પણ વાંચો: Maharashtra Budget: પેટ્રોલ ડિઝલ સસ્તું, 3 સિલિન્ડર મફત, આર્થિક પછાત મહિલાઓને 1,500 રૂપિયા!
સરકારની મુખ્ય પ્રધાન અમારી લાડકી બહેન યોજનાનો ઉલ્લેખ કરતા ઉદ્ધવે કહ્યું હતું કે તમે લાડકી બહેન યોજના લઇને આવ્યા, પરંતુ અમારા છોકરાઓ વિશે પણ તો વિચારો. કેટલા બધા યુવાનો બેરોજગાર છે. રાજ્યના વિકાસ અને રોજગાર માટે સરકારની કોઇ યોજના નથી. આ બજેટ ફક્ત આગામી વિધાનસભાની ચૂંટણી માટે રજૂ કરાયુ છે. અચ્છે દિન ક્યાં છે આ બધુ જ જુમલાબાજી(ફેંકમફેક) છે.
શરદ પવાર જૂથના નેતા જયંત પાટીલે પણ બજેટની ટીકા કરતા જણાવ્યું હતું કે વિધાનસભાની ચૂંટણી યોજાય એ પહેલા અમુક વર્ગને ખુશ કરવા માટે સરકારનો આ છેલ્લો દાવ છે. આજે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે, જેનું અમે સ્વાગત કરીએ છીએ. બજેટમાં મોટી મોટી જાહેરાતો કરવામાં આવી છે, પરંતુ આટલા બધા પૈસા તમે લાવશો ક્યાંથી? મતદારોને લલચાવવા માટે સરકારે આ જાહેરાતો કરી છે, એમ પાટીલે જણાવ્યું હતું.