આમચી મુંબઈ

બસ અકસ્માતમાં ગંભીર ઇજા પામેલી મહિલાને પંચાવન લાખનું વળતર…

થાણે: સ્ટેટ ટ્રાન્સપોર્ટને નડેલા અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલી મહિલાને થાણેની ધ મોટર એક્સિડેન્ટ ક્લેઈમ્સ ટ્રિબ્યુનલે (એમએસીટી) પંચાવન લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. ટ્રિબ્યુનલના સભ્ય આર. વી. મોહિતેએ શુક્રવારે આપેલા આદેશમાં મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશન (એમએસઆરટીસી) જ અકસ્માત માટે જવાબદાર હોવાની નોંધ કરી હતી. આ અકસ્માતને લીધે મહિલાએ જમણો હાથ ગુમાવ્યો અને નોકરી પણ ગુમાવી દીધી હતી.

અકસ્માતની ઘટના 24 ઑગસ્ટ, 2021ની બપોરે બની હતી. તે સમયે 36 વર્ષની મહિલા કંચન શામ કુટે એસટી બસમાં નાશિક-પુણે હાઈવે પર ખેડથી શિવાજીનગર જઈ રહી હતી ત્યારે બસને અકસ્માત નડ્યો હતો. બસ વીજળીના થાંભલા સાથે ભટકાઈને ઊંધી વળી ગઈ હતી.

એમએસઆરટીસી વતી દલીલ કરાઈ હતી કે બ્રેક ફેઈલ થવાને કારણે અકસ્માત થયો હતો, પરંતુ ટ્રિબ્યુનલે ડ્રાઈવરની જ બેદરકારી હોવાનું કહીને એસટીની દલીલ નકારી કાઢી હતી. ડ્રાઈવર બસ સ્પડીમાં ચલાવતો હતો કે બસની બ્રેક ફેઈલ થઈ ત્યારે તે સ્ટિયરિંગ પર કાબૂ રાખી શક્યો નહોતો. ડ્રાઈવરે બ્રેક ફેઈલ અંગે ક્ધડક્ટરને સંકેત આપ્યો હતો, પરંતુ પ્રવાસીઓની સુરક્ષા માટે તેણે સૂચના આપી હોય તેવા કોઈ પુરાવા નથી, એવું ટ્રિબ્યુનલે નોંધ્યું હતું.

મહિલાને ગંભીર ઇજા થઈ હતી, જેમાં કોણીથી નીચે જમણો હાથ કચડાઈ ગયો હતો. પછી તે કાપી નાખવો પડ્યો હતો. મહિલાએ 70 ટકા કાયમી વિકલાંગતા આવી હોવાનું સર્ટિફિકેટ રજૂ કર્યું છે. હાથ ગુમાવવાને કારણે તેને નોકરીમાંથી કાઢી મુકાઈ હતી.

ટ્રિબ્યુનલે આ બધા મુદ્દાઓને ધ્યાનમાં લેતાં અરજીની તારીખથી વાર્ષિક નવ ટકા વ્યાજ સાથે પંચાવન લાખ રૂપિયા ચૂકવવાના નિર્દેશ આપ્યા હતા. (પીટીઆઈ)

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button